મોડાસામાં “વિકસિત ભારત” પર પ્રોફેશનલ મીટ અને પત્રકાર પરિષદ યોજાઇ
મોડાસા: અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા આજે મોડાસા જિલ્લા કમલમ ખાતે સાંસદ મયંકભાઈ નાયકની મુખ્ય ઉપસ્થિતિમાં “પ્રોફેશનલ મીટ” અને “પત્રકાર પરિષદ”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ “વિકસિત ભારતનો અમૃતકાળ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ” થીમ હેઠળ યોજાયો હતો.
રાજ્યસભાના સભ્ય અને મુખ્ય વક્તા શ્રી મયંકભાઈ નાયકે પ્રોફેશનલ મીટના સંમેલનને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૧ વર્ષના શાસનકાળની સિદ્ધિઓ, રાષ્ટ્રના હિતમાં કરાયેલા કાર્યો અને દેશની સલામતી અંગેના “ઓપરેશન સિંદૂર” જેવી મોટી સફળતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આ માટે પ્રધાનમંત્રીને અભિનંદન પણ પાઠવ્યા હતા. પ્રોફેશનલ મીટ પહેલા, તેમણે પત્રકાર પરિષદને પણ સંબોધી હતી. આ સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ કુ. કૌશલ્યકુંવરબાએ પણ મોદી સરકારની ૧૧ વર્ષની સિદ્ધિઓનું વર્ણન કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોરે ઉપસ્થિત મહેમાનો અને કાર્યકરોનું સ્વાગત કર્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવા માટે યોજાયેલી આ “પ્રોફેશનલ મીટ” વિશે સૌને અવગત કર્યા. આ સંમેલનમાં જિલ્લા પ્રભારી શ્રી રાજેશભાઈ શુક્લા, મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્યો શ્રી પી.સી. બરંડા અને શ્રી ધવલસિંહ ઝાલા, પૂર્વ ભાજપ પ્રમુખો શ્રી રાજેન્દ્રભાઈ પટેલ અને શ્રી રણવીરસિંહ ડાભી, સાબરડેરી ડિરેક્ટર શ્રી શામળભાઈ પટેલ, જિલ્લા સંઘના અધ્યક્ષ શ્રી પ્રભુદાસભાઈ પટેલ સહિત સહકારી આગેવાનો અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌને મોદી સરકારના નેતૃત્વમાં અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને કાર્યોનો ચિતાર આપવામાં આવ્યો હતો. સંમેલનનું સંચાલન મહામંત્રી શ્રી હસમુખભાઈ પટેલે કર્યું હતું, જ્યારે આભાર દર્શન શ્રી રણધીરભાઈ ચૂડગરે કર્યું હતું.