લોકરક્ષક ભરતી પરીક્ષા આવતીકાલે: ૧૨,૦૦૦થી વધુ જગ્યાઓ માટે ૨.૪૭ લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
ગાંધીનગર: ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર છે. રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ૧૨૪૭૨ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે. આ પૈકી, બિન હથિયારી PSIની ૪૭૨ જગ્યા માટે ૧,૦૨,૯૩૫ ઉમેદવારોએ ૧૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ લેખિત પરીક્ષા આપી હતી.
હવે, લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા આવતીકાલે, ૧૫ જૂન ૨૦૨૫ના રોજ યોજાવાની છે. લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પો.કો., જેલ સિપાઈ, અને SRPF સહિતની આશરે ૧૨,૦૦૦ જગ્યાઓ માટે શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ આ લેખિત પરીક્ષા યોજાઈ રહી છે.
આ પરીક્ષા માટેના કોલલેટર શનિવાર, ૭ જૂનના રોજ બપોરે ૧ વાગ્યાથી OJASની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ થવાના શરૂ થયા હતા. ગુજરાતના ૧૫ કેન્દ્રો (ગ્રાઉન્ડ) પર યોજાયેલી શારીરિક કસોટીમાં ૨.૪૭ લાખથી વધુ મહિલા-પુરુષ ઉમેદવારો ઉત્તીર્ણ થયા હતા. પોલીસ ભરતી બોર્ડે ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કર્યું હતું. આવતીકાલે યોજાનારી આ પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.