ગડકરીએ કહ્યું- લોકો નિયમોનું પાલન કરે એટલે દંડ વધાર્યો, પેટ્રોલ-ડીઝલ વાહનો પર પ્રતિબંધ લાવવાનો ઈરાદો નથી
નવી દિલ્હી:
રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે, સરકારનો પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવાનો કોઈ વિચાર નથી. તેઓ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ (સિયામ)ના વાર્ષિક કન્વેંશનમાં હાજર રહ્યા હતા. ઓટો સેક્ટરમાં મંદી મામલે તેમણે કહ્યું છે કે, હાલના આંકડાથી સ્પષ્ટ છે કે, ઓટોમોબાઈલ સેક્ટરમાં હજી તકલીફ છે.
ગડકરીએ કહ્યું કે, સરકાર વીજળી અને વૈકલ્પિક ઈંધણોથી ચાલતા વાહનોના ઉપયોગ માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. તેનું એક કારણ એ છે કે દેશ પર પેટ્રોલિયમ આયાતનો 7 લાખ કરોડનો બોજો છે. તે સિવાય દેશને પ્રદૂષણની ગંભીર સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
મંદીનો ઉકેલ લાવવા દરેક પ્રયત્ન કરવામાં આવશે
કેન્દ્રીય મંત્રીએ ઉદ્યોગને સરકાર તરફથી શક્ય હોય તેટલી મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. વાહનોના વેચાણ વધારવા માટે ગડકરીએ કહ્યું કે, બેન્કોમાંથી લોન ન મળવાની સ્થિતિમાં ઓટો કંપની ઈચ્છે તો એનબીએફસી બનાવીને વેહિકલ લોન આપી શકે છે. તેનાથી તેમના વેચાણમાં પણ વધારો થશે. સરકાર પોતાના તરફથી વાહન અને અન્ય લોન વધારવાનો પ્રયત્ન કરી રહી છે.
તેમણે કહ્યું છે કે, વેપારમાં તો ઉતાર-ચઢાવ, નફો-નુકસાન આવ્યા કરે છે. તેનાથી નિરાશ થવાની જરૂર નથી. ઓટો મોબાઈલ સેક્ટરમાં તેજી પણ સારી જોવા મળી હતી. આત્મવિશ્વાસની મદદથી તેઓ આ સમયમાંથી પણ પસાર થઈ જશે. નિકાસ વધારીને સ્થાનિક બજારમાં થયેલા ઓછા વેચાણને સરભર કરી શકાય છે. તે માટે સરકાર પણ જરૂરી પ્રોત્સાહન યોજના બનાવી રહી છે.
દુર્ઘટના ઓછી કરવાના હેતુથી નવો મોટર વાહન કાયદો લાવવામાં આવ્યો
આ મહિનાથી લાગુ કરવામાં આવેલા નવા મોટર વાહન કાયદાનો બચાવ કરતાં ગડકરીએ કહ્યું કે, સરકારનો હેતુ લોકો પર વધારે દંડ લગાવવાનો બિલકુલ નથી. અમે ઈચ્છીએ છીએ કે દુર્ઘટનાઓ ઓછી થાય જેથી લોકોના જીવ બચી શકે. દેશમાં દર વર્ષે 5 લાખ રોડ એક્સિડન્ટ થયા છે. તેમાં દોઢ લાખ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે.