દિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લોકદરબાર દરમિયાન શખ્સે લાફો માર્યો
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે (20 ઓગસ્ટ) તેમની કેમ્પ ઓફિસમાં લોકદરબાર દરમિયાન અચાનક એક શખ્સે હુમલો કર્યો હતો. આ ઘટનામાં હુમલાખોરે બૂમો પાડતા આવીને મુખ્યમંત્રીને લાફો માર્યો અને ગાળો ભાંડી હતી, જેના કારણે ભારે અફરા-તફરી મચી ગઈ હતી. આ હુમલામાં રેખા ગુપ્તાને સામાન્ય ઈજા પણ થઈ હતી.
ઘટના બાદ તરત જ પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી હતી અને તેની પૂછપરછ શરૂ કરી છે. જોકે, હુમલાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ ઘટનાને મુખ્યમંત્રીની સુરક્ષામાં એક મોટી ચૂક માનવામાં આવી રહી છે. હુમલાના સમાચાર સામે આવતા જ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હીના ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આ ઘટનાની આકરી નિંદા કરી છે અને તેને લોકતાંત્રિક પ્રક્રિયા પર હુમલો ગણાવ્યો છે.