ગાંધીનગરમાં અકસ્માતનો સિલસિલો ચાલુ: સેન્ટ્રલ વિસ્ટા ખાતે કારની ટક્કરે ૧૨ પોલ તૂટ્યા
ગાંધીનગર: ગાંધીનગરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ગઈકાલે મોડી રાત્રે સેન્ટ્રલ વિસ્ટાના માર્ગ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે રોડ સાઇડના સેફ્ટી પોલ અને વીજપોલ સહિત કુલ ૧૨ જેટલા પોલને તોડી પાડ્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર શહેરના માર્ગો પર થતી બેફામ રેસિંગની પ્રવૃત્તિને સામે લાવી છે.
રાંદેસણના અકસ્માત બાદ પણ તંત્ર દ્વારા ચેકિંગના દાવાઓ કરવામાં આવતા હોવા છતાં, મોડી રાત્રે ગાંધીનગરના ખુલ્લા રસ્તાઓ જાણે રેસિંગ ટ્રેક બની જતા હોય તેવું ચિત્ર ઊભું થયું છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે જો તે દિવસે થયો હોત તો તે જીવલેણ સાબિત થયો હોત, તેમ સ્થાનિકોનું કહેવું છે. અકસ્માત બાદ કારની નંબરપ્લેટ પણ ગાયબ હતી અને અકસ્માતગ્રસ્ત કાર સવારથી ઘટનાસ્થળે પડી રહી હતી, જે ચર્ચાનો વિષય બની છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે આવા ગંભીર અકસ્માતો સર્જનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી રેસિંગ અને બેફામ ડ્રાઇવિંગ પર અંકુશ મૂકી શકાય અને ભવિષ્યમાં આવા બનાવોને ટાળી શકાય.