ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓ ઘટ્યા: ૨૦૨૪માં ૨૮ લાખથી ઘટીને ૨૨.૭૪ લાખ થયા
ગાંધીનગર: ગુજરાતમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, તેમ છતાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ આવતા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને રહ્યું છે. પ્રાપ્ત આંકડા મુજબ, વર્ષ ૨૦૨૪માં ૨૨,૭૪,૪૭૭ વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી, જ્યારે વર્ષ ૨૦૨૩માં આ આંકડો ૨૮.૦૬ લાખ હતો. આમ, એક વર્ષમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોકે, અન્ય રાજ્યો સાથે સરખામણી કરીએ તો, વર્ષ ૨૦૨૪માં મહારાષ્ટ્ર ૩૭.૦૫ લાખ પ્રવાસીઓ સાથે પ્રથમ અને પશ્ચિમ બંગાળ ૩૧.૨૪ લાખ સાથે બીજા સ્થાને રહ્યું છે. જાણકારોના મતે, ગુજરાત આવતા મોટાભાગના વિદેશી મુલાકાતીઓ બિનનિવાસી ભારતીય (NRI) હોય છે. વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે ત્યારે, ઘરઆંગણાના પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૪માં ૧૮.૪૦ કરોડ સ્થાનિક પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી, જે વર્ષ ૨૦૨૩ના ૧૭.૮૦ કરોડની સરખામણીમાં વધુ છે. જોકે, ઘરઆંગણાના પ્રવાસીઓની સંખ્યામાં કર્ણાટક ૩૦.૪૫ કરોડ પ્રવાસીઓ સાથે દેશમાં મોખરે છે.