ગાંધીનગર

ગાંધીનગરમાં ‘સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ ભરતી મેળો’: સેનામાં જોડાવા યુવાનોને વિનામૂલ્યે તાલીમ અપાશે

ગાંધીનગર: ભારતીય સેના, એરફોર્સ, નેવી, પેરા મિલિટરી ફોર્સિસ અને પોલીસ દળોમાં ગુજરાતના યુવાનોની ભાગીદારી વધારવા માટે જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર દ્વારા એક અનોખા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ ભરતી મેળા’ હેઠળ, ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક અને માનસિક તૈયારી માટે વિનામૂલ્યે નિવાસી તાલીમ આપવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ યુવાનોમાં સેના પ્રત્યેના રસનો અભાવ અને ભરતી સંબંધિત અજ્ઞાનતા દૂર કરવાનો છે.

આ તાલીમ કાર્યક્રમમાં ઉમેદવારોને શારીરિક યોગ્યતા માટે દોડ, લાંબો કૂદ, પુલઅપ્સ જેવી કસરતોની સઘન તાલીમ અપાશે. આ સાથે લેખિત પરીક્ષાની તૈયારી માટે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાનનું શિક્ષણ પણ આપવામાં આવશે. તાલીમ સંપૂર્ણપણે વિનામૂલ્યે છે, જેમાં રહેવા-જમવાની પણ નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉમેદવારોને પ્રતિ દિવસ ₹૧૦૦ લેખે ૩૦ દિવસ માટે કુલ ₹૩,૦૦૦ નું સ્ટાઈપેન્ડ પણ ચેક દ્વારા ચૂકવવામાં આવશે.

લાયકાત ધરાવતા યુવાનો, જેમાં ધોરણ ૧૦ પાસ માટે ૧૭.૫ થી ૨૧ વર્ષ અને ધોરણ ૧૨ પાસ માટે ૧૭.૫ થી ૨૩ વર્ષની વયમર્યાદા છે, તેઓ અરજી કરી શકે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ સાંજે ૫ વાગ્યા સુધી છે. ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો જેવા કે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, આધાર કાર્ડ, બેંક પાસબુક અને જાતિના દાખલાની નકલ સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર ખાતે અરજી સુપરત કરવાની રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *