ગુગલના કરોડો યુઝર્સના કોન્ટેક્ટ નંબર ડાર્ક વેબ પર લીક
નવી દિલ્હી: ટેકનોલોજીની દુનિયામાં એક મોટી ઘટના સામે આવી છે, જેમાં ગુગલના અંદાજે ૨૫૦ કરોડ એક્ટિવ યુઝર્સનો ડેટા ચોરાઈ ગયો છે. ગુગલના ઇતિહાસમાં આ સૌથી મોટી ડેટા ચોરી માનવામાં આવે છે. આ ઘટના માટે ‘શાઈની હંટર્સ’ નામના હેકર્સના ગ્રુપને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે, જેમણે જુન-જુલાઈ ૨૦૨૫ દરમિયાન આ કૌભાંડને અંજામ આપ્યો હોવાનું મનાય છે.
ગુગલે આ ડેટા ચોરીની વાત સ્વીકારી છે, જોકે ચોક્કસ આંકડા અંગે સ્પષ્ટતા કરી નથી. આ ડેટા ચોરીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે શાઈની હંટર્સ ગ્રુપે આ સંવેદનશીલ ડેટા ડાર્ક વેબ પર વેચવા મૂક્યો. આ ઘટના પ્રકાશમાં આવતા જ દુનિયાભરના સાઈબર સુરક્ષા નિષ્ણાતો અને એજન્સીઓ સફાળી જાગી છે.
ચોરાયેલા ડેટામાં ઘણી સંવેદનશીલ માહિતી સામેલ છે. જેમાં કરોડો યુઝર્સના કોન્ટેક્ટ નંબર પણ લીક થયા છે, જેના કારણે પરોક્ષ રીતે વધુ કરોડો લોકોના ફોન નંબર પણ જોખમમાં મુકાયા છે. સાઈબર સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક તમામ ગુગલ યુઝર્સને પોતાનો પાસવર્ડ બદલી નાખવાની સલાહ આપી છે.