SCO સમિટની અસર: ભારત-રશિયા-ચીન એક થતા અમેરિકાનું વલણ નરમ પડ્યું?
વોશિંગ્ટન/નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફનો બોજ વધારવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ અમેરિકન નાણામંત્રી સ્કોટ બેસેન્ટે ભારત સાથેના સંબંધોમાં સમાધાનની આશા વ્યક્ત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ફરી એકવાર ભારતને ‘ટેરિફ કિંગ’ ગણાવ્યું અને દાવો કર્યો કે ભારતે ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે. જોકે, આ જ સમયે અમેરિકાની એમ્બેસીએ ભારત સાથેની મજબૂત ભાગીદારીના વખાણ કરતી પોસ્ટ કરી છે, જેના કારણે અમેરિકાના વલણમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું કે, “ભારત અને અમેરિકા બંને મહાન દેશો છે અને અંતમાં બંને દેશો કોઈ સમાધાન કાઢી જ લેશે.” તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન મોદી અને પ્રમુખ ટ્રમ્પ સારા મિત્રો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન મોદીએ ચીનમાં SCO સમિટમાં રશિયા અને ચીન સાથે મુલાકાત કરી હતી, જેને વિશ્વમાં એકતાના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે.
જોકે, બેસેન્ટે રશિયા પાસેથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારત પ્રત્યે નારાજગી વ્યક્ત કરી, જેને તેમણે યુક્રેન યુદ્ધમાં રશિયાને આર્થિક મદદ ગણાવી. બીજી તરફ, ભારતમાં અમેરિકાની એમ્બેસીએ પોતાના X હેન્ડલ પર પોસ્ટ કરી કે, “અમેરિકા અને ભારતની ભાગીદારી નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે અને આ સંબંધ 21મી સદી માટે નિર્ણાયક છે.” ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદ્યા બાદ પણ સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવીને કહ્યું કે, “ભારત અત્યાર સુધી અમેરિકા પર ખૂબ મોટા પ્રમાણમાં ટેરિફ લગાવતું હતું. ભારતે હવે ટેરિફ ઘટાડવા પ્રસ્તાવ આપ્યો છે, પણ હવે ખૂબ વિલંબ થઈ રહ્યો છે.” આ નિવેદનોએ બંને દેશો વચ્ચેના તણાવમાં વધારો કર્યો છે.