દિવાળી પહેલા ગુજરાતના પ્રવાસીઓને મોટી ભેટ: મુખ્યમંત્રીએ 201 નવી ST બસોને લીલી ઝંડી આપી
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (GSRTC)ની 201 નવી બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. આ નવી બસોમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મીડી બસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ દિવાળી નિમિત્તે લોકો સરળતાથી પોતાના ઘરે પહોંચી શકે તે માટે 4200 એક્સ્ટ્રા બસોના સંચાલનનો પણ પ્રારંભ કરાવ્યો. હાલમાં GSRTC દરરોજ 8000થી વધુ બસો દ્વારા 27 લાખથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે. આ લોકાર્પણ સમારોહમાં વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.