પ્રાથમિક શિક્ષક બનવા તૈયાર થઈ જાઓ: ટેટ-1 પરીક્ષાની તારીખ જાહેર, 14 ડિસેમ્બરે યોજાશે કસોટી
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટા સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા ટેટ-1 (TET-1) પરીક્ષા માટેની તારીખો અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષા 14 ડિસેમ્બરના રોજ યોજાવાની સંભાવના છે.
જાહેરનામા મુજબ, ટેટ-1 પરીક્ષા માટે ઉમેદવારો 29 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન ઓનલાઈન આવેદનપત્ર ભરી શકશે. ફી ભરવાની કામગીરી પણ 29 ઓક્ટોબરથી શરૂ થશે અને 14 નવેમ્બર સુધી ચાલુ રહેશે.
ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા માટે ઉમેદવારે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે, સાથે જ પીટીસી (PTC), ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી અથવા બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન કોર્સ કરેલો હોવો જોઈએ. પરીક્ષાનું સ્વરૂપ બહુવિકલ્પ આધારિત રહેશે, જેમાં 150 હેતુલક્ષી પ્રશ્નોના જવાબ આપવા માટે ઉમેદવારોને 120 મિનિટનો સમય મળશે.