Uncategorized

ધોલેરા SIR માં રૂ. ૧૦,પ૦૦ કરોડના રોકાણ સાથે ચાયના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરશે, CASME ગુજરાત સરકાર વચ્ચે બે MoU થયા : ૧પ હજાર યુવાઓને રોજગારીની તકો.

ગાંધીનગર :
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને ચાયના એસોસિયેશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝીઝ CASME વચ્ચે ગુજરાતમાં રોકાણોને વ્યાપકપણે પ્રેરિત કરવા અંગેના બે મહત્વપૂર્ણ MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

ધોલેરા સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનની SPV ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ અને CASME વચ્ચે થયેલા આ MoU અંતર્ગત રૂ. ૧૦,પ૦૦ કરોડના સંભવિત મૂડીરોકાણ સાથે ધોલેરામાં ચાયના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આગામી દિવસોમાં શરૂ કરાશે.

આ પાર્કમાં પ્રદૂષણ રહિત અને હાઇ ટેકનોલોજીયુકત ઊદ્યોગો ચાયનાના ઊદ્યોગકારો શરૂ કરશે અને પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ મળીને કુલ ૧પ હજાર જેટલા યુવાઓને સ્થાનિક સ્તરે રોજગાર અવસર પણ મળતા થશે.

આ MoU ઉપર મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ અને ઊદ્યોગ અગ્રસચિવ શ્રી એમ. કે. દાસ તેમજ CASME ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ગૃપના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીયુત વૈન્ડોંગ યીને હસ્તાક્ષર કર્યા હતા.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ચાયનાના રાષ્ટ્રપતિ શ્રીયુત ઝિન પીંગની ર૦૧૪માં ગુજરાત મૂલાકાત અને ર૦૧પમાં ગુજરાતના એક હાઇલેવલ ડેલિગેશનની ચાયના મૂલાકાતની ફલશ્રુતિ રૂપે ચાયનાના ઊદ્યોગકારો ગુજરાતમાં મોટાપાયે રોકાણો માટે પ્રેરિત થયેલા છે.

આ MoUને પરિણામે હવે ચાયનાના મધ્યમ અને નાના ઊદ્યોગોને પણ ગુજરાતમાં રોકાણની તકો મળતી થવાની છે.

મુખ્યમંત્રીશ્રીએ આ MoU વેળાએ ચાયનીઝ ડેલિગેશનને ગુજરાતમાં મોટા પાયે આવી રહેલા FDI સંદર્ભમાં જણાવ્યું કે, આગામી ર૦રર સુધીમાં ચાયનીઝ ઊદ્યોગકારો પોતાના પ્લાન્ટ-એકમોની જરૂરી પ્રોસેસ પૂર્ણ કરી રાજ્યમાં ઉત્પાદન શરૂ કરી પ્રોત્સાહનોનો લાભ મેળવે તે સમયની માંગ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ MoU ને પરિણામે ગુજરાત-ભારત-ચાયના વચ્ચેના વર્ષોના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બનશે તેવો વિશ્વાસ કર્યો હતો.
તેમણે કહ્યું કે, ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ છે સાથોસાથ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સાનુકૂળ તકો પણ રાજ્યમાં રહેલી છે.

એટલું જ નહિ, તાજેતરમાં ભારત સરકારે ઊદ્યોગોને જે કર રાહતો આપી છે તથા ગુજરાત સરકારે પણ MSME સેકટરમાં સોલાર એનર્જીને પ્રોત્સાહન સહિતની જે સવલતો જાહેર કરી છે તેનો લાભ પણ ચાયનાના આ ઊદ્યોગોને મળશે.

આજે થયેલા MoU અન્વયે CASME ઇન્વેસ્ટમેન્ટ ગૃપ ધોલેરા SIRને મેજર ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે ચાયનીઝ ઊદ્યોગો માટે પ્રમોટ કરશે.

ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લીમીટેડ આ હેતુસર પ્લગ એન્ડ પ્લે માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને ચાયનીઝ ઊદ્યોગકારોને ઊદ્યોગ શરૂ કરવા માટેની જરૂરી પરવાનગીઓ મેળવવામાં મદદરૂપ થશે.

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં થયેલા અન્ય એક MoU તહેત ગુજરાત સરકારનું સાહસ ઇન્ડેક્ષ-બી રાજ્યમાં રોકાણો માટે આવનારા ચાયનીઝ ઊદ્યોગકારોને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટસ, રાજ્યની વિવિધ પોલીસીઝ તેમજ અન્ય પ્રોત્સાહનો વિષયક સંપૂર્ણ વિગતો પૂરી પાડશે.

આ MoU સાઇનીંગ અવસરે મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કૈલાસનાથન, ધોલેરા SIRના એમ.ડી. શ્રી હરિત શુકલ, ઊદ્યોગ કમિશનર શ્રી રાહૂલ ગુપ્તા, ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. શ્રીમતી નિલમ રાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x