કચ્છ સરહદે વધુ બે માછીમાર બોટ ઝડપાઈ
ભુજ:
ભારત અને પાકિસ્તાનના તણાવભર્યા સંબંધ વચ્ચે ફરી એક વાર કચ્છના સિરક્રિકમાંથી બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન બે બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. પાકિસ્તાની ફિશિંગ બોટમાં સવાર માછીમારો બોટ છોડીને સિરક્રિકમાંથી ભાગી છૂટ્યા હતા. બાદમાં સઘન સુરક્ષા ગોઠવીને સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઝડપાયેલી બોટમાંથી માછીમારોનો સામાન મળી આવ્યો હતો. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ દૂર કર્યા બાદ પાકિસ્તાન સહિત કચ્છ સીમા પર સતર્કતા વધારી દેવામાં આવી છે. કચ્છના સિરક્રિકમાં બીએસએફના જવાનોના પેટ્રોલિંગ વખતે સિરક્રિક પર શંકાસ્પદ હાલતમાં માછીમારી માટેની બે બોટ ઝડપાઈ હતી. બન્ને બોટ પાકિસ્તાની હોવાનું જાણવા મળ્યું હતું. તેમાંથી પાકિસ્તાની ચીજવસ્તુઓ મળી આવી હતી. બોટમાં સવાર માછીમારો ફરાર થઈ ગયા હતા. બે પાકિસ્તાની બોટ મળ્યા બાદ સિરક્રિકમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આઈબી દ્વારા જૈશના કમાન્ડર ઉસ્માન દ્વારા ભારતના અલગ અલગ શહેરોમાં હુમલા કરવા માટે મીટિંગ કરવામાં આવી હતી, જેને પગલે સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવાનો આદેશ અપાયો છે. આવા સંજોગોમાં સિરક્રિકમાંથી મળેલી બે બોર્ટને કારણે સુરક્ષામાં સઘન વધારો કરાયો છે