નિત્યાનંદ આશ્રમમાં થતા ગોરખધંધાનું કનેક્શન ડીપીએસ સ્કૂલ સાથે હોવાના પુરાવા મળતા DPS સ્કૂલની બુદ્ધિ ઠેકાણે આવી, સ્કૂલે નિત્યાનંદ સાથેના તમામ સંબંધો તોડ્યા
અમદાવાદ :
અમદાવાદ શહેરના હાથિજણ નજીકના હિરાપુર ગામની સીમમાં ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં 10 મહિના પહેલાં જ શરૂ થયેલો સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞપીઠમ આશ્રામ વિવાદમાં આવ્યો છે. આ વિવાદોમા ડીપીએસ સ્કૂલની સાંઠગાંઠ હોવાનુ પણ સામે આવ્યું છે. નિત્યાનંદ આશ્રમમાં થતા ગોરખધંધાનું કનેક્શન ડીપીએસ સ્કૂલ સાથે હોવાના પુરાવા મળી રહ્યાં છે. ત્યારે ડીપીએસ સ્કૂલનું નામ સામે આવતા શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે.
નિત્યાનંદ આશ્રમ કેમ DPSના કેમ્પસમાં છે તેનો ખુલાસો ધીમેધીમે થઇ રહ્યો છે. DPSની ડાયરેક્ટર ડૉ. મંજુલા પૂજા શ્રોફ નિત્યાનંદને ગુરૂ માને છે. જેથી પુજા શ્રોફ નિત્યાનંદને ગુરૂ માનતા હોવાથી આશ્રમ ચલાવવાની પરમિશન આપી હતી. DPSની ડાયરેક્ટર ડૉ. મંજુલા પૂજા શ્રોફ નિત્યાનંદના આશ્રમની મુલાકાત લઇ ચૂક્યા છે, તેના ફોટા હાલ સામે આવ્યા છે. જેથી સૂત્રો જણાવી રહ્યા છે કે, આશ્રમ ચલાવવાની જવાબદારી DPSના ડાયરેક્ટર ડૉ. મંજુલા પૂજા શ્રોફની હતી.
નિત્યાનંદ આશ્રમ વિવાદમાં DPSની બુદ્ધિ ઠેકાણે આવી ગઇ છે. હવે આ મામલો ગંભીર બનતા DPS સ્કૂલે નિત્યાનંદ સાથેના તમામ સંબંધો તોડ્યા છે. પહેલા છટકબાજી બાદ અંતે હવે DPSએ કરાર રદ કર્યો છે. ડીપીએસ સ્કૂલ દ્વારા 3 મહિનામાં નિત્યાનંદ આશ્રમ ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ મામલે DPS સ્કૂલે નિત્યાનંદ આશ્રમ સંચાલકોને નોટિસ પાઠવી દીધી છે. જિલ્લા શિક્ષણાધિકારી અને પોલીસને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, CSR અંતર્ગત આશ્રમના બાળકો DPS સ્કૂલમાં ભણતા હતા. જોકે હવે જોવાનું રહ્યું કે, શું DPS હવે કરાર રદ કરી ને ઘટનામાંથી બચી જશે?
ડીપીએસ સ્કૂલનો વિવાદ સામે આવતા જ DEO કચેરીના અધિકારીઓએ DPS સ્કૂલમાં ધામા નાંખ્યા હતા. DEO કચેરીની તપાસમાં ખુલાસો થયો કે, આશ્રમને કેલોરેક્સ ગ્રુપે જગ્યા લીઝ પર આપી હતી. તમને જણાવી દઇએ કે, ડીઈઓ કચેરીના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું કે, આશ્રમના 24 વિદ્યાર્થીઓ DPS સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યાં હતા. જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓએ એડમિશન કેન્સલ કરાવ્યુ હતુ. જેથી હાલમાં DPS સ્કૂલમાંઆશ્રમના 21 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મિસીંગ યુવતીના માતાપિતાએ એ પણ આક્ષેપ કર્યો છે કે, ડીપીએસના મુખ્ય સંચાલક મંજુલા શ્રોફ નિત્યાનંદના ભક્ત છે. તેમજ એપ્રિલ મહિનામાં ડીપીએસની બોપલ બ્રાન્ચમાં નિત્યાનંદ આશ્રમનો એક કાર્યક્રમ પણ આયોજિત કરવામા આવ્યો હતો.