ગુજરાતની આ જગ્યા પર જમીનમાંથી મળી આવ્યુ 15 સદીનું નગર
પાવાગઢ :
પંચમહાલ જીલ્લાની ઐતિહાસિક ધરોહર પાવાગઢ ખાતેથી 15મી સદીના અવશેષો મળી આવ્યા, મળી આવેલા પુરાતન અવશેષોનું ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આવનારા સમયમાં સંશોધન કરવામાં આવશે.
પાવાગઢમાં 1000થી વધુ હેરીટેજ સ્થાપત્ય
ગુજરાત રાજ્યની પ્રથમ વર્લ્ડ હેરીટેજ સાઈટ પાવાગઢ ખાતે અનેક પુરાતન અવશેષો આજે મોજુદ છે , ત્યારે પાવાગઢ ડુંગર અને તેની આજુબાજુના વિસ્તાર હાલ ભારતીય પુરાતત્વ વિભાગ હસ્તક આવરી લેવામાં આવેલો છે, આ વિસ્તારમાં નાના મોટા સહીત 1000 ઉપરાંત પૌરાણિક સ્થાપત્યો આવેલા છે. ત્યારે પાવાગઢ ડુંગર જવાના માર્ગ પર આવેલ સાત કમાન નામના પૌરાણિક સ્થાપત્ય આવેલું છે.
સાત કમાનના અંદર હજુ હેરિટેજ બાંધકામ હોવાની સંભાવના
આ સાત કમાન ના અંદરના ભાગમાં હજુ પણ પૌરાણિક ધરોહર હોવાની પુરાતત્વ વિભાગને સચોટ જાણકારી મળતા આ જગ્યા પર સરકારની મંજુરી મેળવ્યા બાદ ખોદકામ શરુ કરવામાં આવ્યું છે, હાલ પુરાતત્વ વિભાગ દ્વારા વિશ્વ વિરાસત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સાત કમાન વિસ્તારમાં કરવામાં આવી રહેલા ખોદકામ દરમ્યાન 15મી સદીના અવશેષો મળી આવ્યા છે.
15મી સદીનો ઉલ્લેખ ધરાવતી તકતી મળી
15મી સદીના ઉલેખ્ખ ધરાવતી તકતી સહીત પૌરાણિક ઢબનો દરવાજાનું સ્ટ્રક્ચર મળી આવ્યું છે , ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા હાલ આ જગ્યા પર વધુ ખોદકામ કરી તમામ અવશેષોને સંપૂર્ણ બહાર કાઢવા માટેની કાર્યવાહી વધુ વેગવંતી બનાવવામાં આવી છે , તમામ અવશેષો મળી આવ્યા બાદ પુરાતત્વ વિભાગ દ્વારા સંસોધન હાથ ધરવામાં આવશે.