આગામી રવિવારે એક સાથે ૩ પરીક્ષાઓ, પરીક્ષાર્થીઓ ની વધી મૂંઝવણ
આગામી તા. ૦૮/૧૨ને રવિવારે આઈબીપીએસ, ડીવાયએસઓ અને સી-ટેટ એમ ત્રણ ત્રણ પરીક્ષાઓ એક સાથે લેવાશે.
ગાંધીનગર
આગામી રવિવારે એક જ દિવસે ત્રણ પરિક્ષાઓ લેવામાં આવશે. જેથી કેટલાક મહિનાઓથી પરિક્ષાની તૈયારીઓ કરતા તમામ ઉમેદવારોમાં ચિંતા જોવા મળી રહી છે. સરકાર તેમજ વિવિધ ભરતી બોર્ડના સંકલનના અભાવે એક દિવસે એક સાથે ત્રણ પરીક્ષાઓ લેવાનું જાહેર થયું છે. આગામી તા. ૦૮/૧૨ને રવિવારે આઈબીપીએસ, ડીવાયએસઓ અને સી-ટેટ એમ ત્રણ ત્રણ પરીક્ષાઓ એક સાથે લેવાશે. આથી લાંબા સમયથી તૈયારી કરતા ઉમેદવારો એવી અવઢવમાં મૂકાયા છે કે, કઈ પરીક્ષામાં ઉપસ્થિત રહેવું અને કઈ પરીક્ષામાં નહીં ? રાજ્યભરના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. એ માટે ફોર્મ ભરવાથી લઈને પરીક્ષાની તારીખ સુધીમાં હજારો રૃપિયાનો ખર્ચ થઈ જાય છે. સરકારી નોકરીમાં સફળતા મેળવવા ખાનગી ટયુશનના ખર્ચા પણ કરતા હોય છે.
સરકાર તેમજ વિવિધ ભરતી સંસ્થાઓ દ્વારા આવતી જાહેરાત માટે ઓનલાઈન ફોર્મ ભરવા, ફોર્મ ફી જેવા ખર્ચ થાય છે. ત્યારે સરકાર તેમજ અન્ય ભરતી સંસ્થાઓ વચ્ચે સંકલનના અભાવે એક સાથે ત્રણ પરીક્ષા જાહેર થાય તો ઉમેદવારો અવઢવમાં મુકાઈ જાય છે. ઈન્સ્ટીટયુટ ઓફ બેન્કીંગ પર્સનલ સિલેક્શન દ્વારા ક્લેરીકલ કેડરમાં ભરતી, ગુજરાત પબ્લીક ર્સિવસ કમિશન દ્વારા ડેપ્યુ.સેક્શન ઓફિસર (નાયબ મામલતદાર) અને સાથે સાથે સી-ટેટ એમ ત્રણ પ્રકારની લેખિત પરીક્ષા તા.૦૮/૧૨ને રવિવારે એક સાથે જાહેર થતા નોકરીની આશાએ પેટે પાટા બાંધીને લાંબા સમયથી તૈયારી કરતા પરીક્ષાર્થી કોઈપણ એક પરીક્ષામા બેસી શકશે. આથી તેની મહેનત અને પરીક્ષા જેવો ખર્ચ એળે જાય છે. આ અંગે ઉમેદવારોના હીતમાં યોગ્ય નિર્ણય થાય તે જરૃરી છે.
તા. ૮ને રવિવારે ત્રણ પરીક્ષાઓ સાથે છે એટલે ઉમેદવારને પરીક્ષાની પસંદગી અંગે અવઢવ તો છે જ સાથે સાથે એવી અકળામણ પણ છે કે, આ સ્થિતિમાં કોઈપણ બે પરીક્ષા ગુમાવવાથી નોકરીની કાયમી તક હાથમાંથી સરી જાય તેમ છે. લાંબા સમયથી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો આથી અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે.
સરકારના જ વિવિધ વિભાગો દ્વારા ભરતી પરીક્ષાઓનું આયોજન થતું હોય છે ત્યારે જો સંકલન કરીને પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવે તો વિદ્યાર્થીને પરીક્ષા આપવાની વ્યાપક તક સાંપડી શકે. શું સરકારના વિભાગો આપસમાં વિચાર વિમર્સ કરીને એટલું અમથું પણ સંકલન ન કરી શકે કે જેથી પરીક્ષાની તારીખો એકબીજી પરીક્ષા સાથે ન ટકરાય ? શું આટલી અપેક્ષા રાખવી પણ વધારે છે ? એવો સવાલ ઉમેદવારોને થઈ રહ્યો છે.