ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ભાજપના MLAની કાર પર પથ્થરમારો, સળગતા કાકડા ફેંકવાનો કર્યો હતો પ્રયાસ

વિસનગર/મહેસાણા: વિસનગર શહેરના આઇટીઆઇ નજીક આવેલા રેલવે ફાટક પાસે મંગળવારે રાત્રે કાર્યક્રમ પતાવી ઘરે જઇ રહેલા  ધારાસભ્ય ઋષિકેશ પટેલની ગાડી ઉપર 25થી 30  શખસોના ટોળાએ પથ્થરમારો કરી ગાડીના કાચ ફોડી નાંખ્યા હતા. ધારાસભ્યની ગાડી પર હુમલાની ઘટનાને પગલે ચકચાર મચી ગઇ છે. આ બનાવ અંગે ધારાસભ્યની ફરિયાદને આધારે પોલીસે પાલિકાના બાંધકામ કમિટીના ચેરમેન પટેલ પરેશ સેવંતીલાલ સહિત છ નામજોગ અને 25થી 30ના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે.

ડ્રાઇવરે સમય સૂચકતા દાખવી  ગાડી ભગાવી મુકી
વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ મંગળવારે રાત્રે પોણા દસ વાગે સાંકળચંદ કેમ્પસમાં ડેન્ટલ વિભાગના દશાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં ભાગ લઇ તેમની ઇનોવા ગાડી (જીજે 2 સીએ 5545) લઇ ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન શહેરના આઇટીઆઇ પાસે આવેલા રેલવે ફાટક પાસે ડ્રાઇવરે ગાડી ધીમી કરતાં 25થી 30 શખસોના ટોળાએ ગાડી ઉપર પથ્થરમારો કરી ગાડીના કાચ તોડી નાંખ્યા હતા અને ગાડી ઉપર સળગતા કાકડા ફેંકવાની કોશિશ કરતાં ડ્રાઇવરે સમય સૂચકતા દાખવી  ગાડી ભગાવી મુકી હતી. સદનસીબે આ બનાવમાં ધારાસભ્યને કોઇ ઇજા પહોંચી ન હતી. આ બનાવ અંગે પોલીસે ધારાસભ્યની ફરિયાદને આધારે પાલિકાના બાંધકામ કમિટીના ચેરમેન સહિત છ નામજોગ સહિત 25થી 30 માણસોના ટોળા સામે હત્યાની કોશિશ તેમજ કાવતરું રચવા સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ધારાસભ્યના ઘર, કાર્યાલયે બંદોબસ્ત વધારી દેવાયો 
 ધારાસભ્ય ઋષિકેશ પટેલની ગાડી ઉપર થયેલા પથ્થરમારા બાદ નોંધાયેલી ફરિયાદને પગલે શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો ન પડે તે માટે પોલીસ દ્વારા ધારાસભ્યના ઘર, કાર્યાલય સહિત કાંસા ચોકડી નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x