ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ખેડૂતોને ધીરાણ પરત કરવામાં બે મહિનાની છૂટ આપી.
ગાંધીનગર :
હાલ રાજ્યમાં લૉકડાઉન (Lockdown)ને પગલે જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાય તમામ એકમો બંધ રાખવાનો આદેશ કરાયો છે. જેના પગલે માર્કેટિંગયાર્ડ (Marketing Yards)પણ બંધ કરવામાં આવ્યા છે. યાર્ડો બંધ રહેતા સૌથી વધારે કફોડી હાલત ખેડૂતો (Farmers)ની બની છે. કારણ કે હરરાજી (Auction) બંધ હોવાને કારણે તૈયાર પાક વેચી શકતો નથી. બીજી તરફ મોટાભાગના ખેડૂતોએ માર્ચ મહિનામાં ધીરાણ (Farmer Loan)ની રકમ ચૂકવવાની હોય છે. આ મામલે ગુજરાત સરકાર (Gujarat Government) અને ભારત સરકાર તરફથી ખેડૂતોને રાહત આપતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે ખેડૂતોને ધીરાણ પરત ચૂકવવા માટે બે મહિનાની મુદ્દત આપવામાં આવી છે.
બે મહિનાનું વ્યાજ સરકાર ભોગવશે
આ અંગે જાહેરાત કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, માર્કેટિંગયાર્ડો બંધ હોવાને કારણે ખેડૂતો પરેશાન છે. તેમની પાસે તૈયાર પાક પડ્યો છે, પરંતુ હરરાજી બંધ હોવાથી તેઓ માલનું વેચાણ કરી શકતા નથી. બીજી તરફ માર્ચના અંતિમ દિવસોમાં ખેડૂતોએ ધીરાણ પરત કરવાની મુદ્દત આવતી હોય છે. આથી આ મામલે રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવી હતી. જે બાદ ખેડૂતોને ધીરાણ ચૂકવવામાં બે મહિનાની મુદ્દત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સહકારી કે રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ખેડૂતોએ જે ધીરાણ મેળવ્યું હશે તેને હવે 31મી મે સુધી ગમે ત્યારે પરત કરી શકશે. આ માટે તેમને 7 ટકાને દરે જે વ્યાજ લાગશે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભોગવશે. સાત ટકામાંથી ત્રણ ટકા કેન્દ્ર અને ચાર ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે.
બેંકો ખેડૂતોને નોટિસ નહીં આપે
નાયબ મુખ્યમંત્રીની જાહેરાત પ્રમાણે ખેડૂતો પહેલી એપ્રિલથી 31મી મે સુધી ગમે ત્યારે ધીરાણની રકમ પરત ચૂકવી શકે છે. પાકની હરરાજી બાદ જ્યારે પણ બે મહિનામાં પૈસા આવે ત્યારે ખેડૂતો ધીરાણ પરત કરી શકે છે. આ માટે તેમને બેંક તરફથી કોઈ જ નોટિસ નહીં મોકલવામાં આવે. રાજ્ય સરકારના આ નિર્ણયથી આશરે 24.60 લાખ જેટલા ખેડૂતોને લાભ થશે. જેનાથી રાજ્ય સરકાર પર અંદાજે 160 કરોડ રૂપિયાનો વધારાનો બોજ આવશે.
આરોગ્ય કર્મચારીઓને બે મહિનાનું એક્સટેન્શન
નાયબ મુખ્યમંત્રીએ બીજી એક જાહેરાત કરતા જણાવ્યું હતું કે હાલ આરોગ્ય ક્ષેત્ર હજારો કર્મચારીઓ કોરોના સામેની લડાઈમાં સેવા આપી રહ્યા છે. હાલ તેમની સેવાની વધારે જરૂરિયાત હોવાથી 30 કે 31મી માર્ચના રોજ જે લોકો નિવૃત્ત થઈ રહ્યા છે તેઓને બે મહિનાનું એક્સટેન્શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ માટે વ્યક્તિગત ઓર્ડર કરવાને બદલે સરકારે સામૂહિક ઓર્ડર કર્યો છે. આથી આ લોકોની નિવૃત્તિની તારીખ હવે 31-05 ગણાશે.