ગાંધીનગરગુજરાત

CM રૂપાણી દ્વારા રાજ્યની રજીસ્ટર્ડ પાંજરાપોળ – ગૌશાળા માટે રૂ.૩૫ કરોડનું પેકેજ જાહેર, પશુ દીઠ રૂ.૨૫ સહાય દરરોજ અપાશે.

ગાંધીનગર :

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૬૫ લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠીત કામદારો, બાંધકામ કામદારો માટે ૬૫૦ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યુ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ અંગેની જાહેરાત કરતા કહ્યુ હતું કે, સરકારે કોરોનાની સ્થિતિમાં આર્થિક રીતે સહાયરૂપ થવા આવા ૬૫ લાખ પરિવારોને એક હજાર રૂપિયાની સહાય તેના બેન્ક ખાતામાં જમા કરાવાશે. આ ઉપરાંત અબોલ પશુઓને પૂરતો ઘાસચારો મળતો રહે અને હાલમાં જ્યારે લોકડાઉનને કારણે વેપાર – ધંધા બંધ છે ત્યારે રાજ્યમાં ચાલતી તમામ રજીસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક સંકટ ન થાય તે માટે પશુ દીઠ રૂ. ૨૫ એપ્રિલ મહિના દરમિયાન રૂપાણી સરકાર તરફથી આપવામાં આવશે. આ માટે રૂ.૩૦થી ૩૫ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

આ સાથે જ રૂપાણી સરકારે વીજ યુનિટને લઈને BPL કાર્ડધારકોનાં કુટંબનાં પરિવાર માટે મોટી જાહેરાત કરી છે. હવેથી માસિક ૫૦ યુનિટ દીઠ સુધી ૧.૫૦ પૈસાનો વીજ દર લેવાશે. જે અગાઉ ૩૦ યુનિટ પર ૧.૫૦ પૈસા વસૂલવામાં આવતો હતો. આમ હવે BPL કાર્ડધારકોના કુટંબના પરિવારને પહેલા જેટલા રૂપિયા ૩૦ યુનિટ માટે આપવા પડતાં હતા તે હવે માસિક ૫૦ યુનિટ દીઠ આપવાના રહેશે. વધુમાં ખેતીવાડીમાં લિફ્ટ ઓરિગેસનામાં યુનિટ દીઠ ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકાર દ્વારા અગાઉ ગુજરાતના તમામ વીજ વપરાશકારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા વીજ બીલ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. રાજ્યમાં જેમને GEB એટલે કે ગુજરાત ઇલેકટ્રીક સિટી બોર્ડના વીજ બિલ ભરવાના થાય છે. તેમની માર્ચ અને એપ્રિલ મહિનાના બીલ ભરવાની મુદત તા. ૧૫મી મે સુધી કરવામાં આવી છે. તેમજ જો બીલ નિયમિત ન ભરાય તો પેનલ્ટી કે કનેકશન કાપી નાખવાની બાબત પણ મોકૂફ રાખવામાં આવી છે. આ ઉપરાંત વેપાર ઉદ્યોગો અને નાના દુકાનધારકો જેમને GEBના બીલ ભરવાના થાય છે તેમને એપ્રિલ મહિનાના બીલમાં ફીકસ ચાર્જ લેવામાં આવશે નહીં, માત્ર વપરાશનું બીલ જ તેમણે ભરવાનું રહેશે.

રૂપાણી સરકારે ખેડૂત મંડળી માટે પણ મોટી જાહેરાત કરી છે. ખેડૂતોનાં માર્ચ મહિના સુધી ધિરાણનું ૭ ટકા વ્યાજ બેંકોને ગુજરાત અને કેન્દ્ર સરકાર ચૂકવશે. સાથે જ ૩૧ મે સુધીનાં ધિરાણની રકમ જમા કરાવવા છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયથી અંદાજે ૨૫ લાખ ખેડૂતોને તેનો ફાયદો થશે. ખેડૂતોને ૩૧ માર્ચ સુધી બેંકમાંથી લીધેલું ધિરાણ પાછું આપવાનું હોય છે. તેવામાં રૂપાણી સરકારે ધિરાણ જમા કરાવવામાં બે મહિનાનો સમય આપ્યો છે. એટલે કે ૩૧ મે ૨૦૨૦ સુધી ખેડૂતો લોન ભરી શકશે. એટલું જ નહીં પણ બે મહિનાનું વ્યાજ પણ ગુજરાત અને કેન્દ્ર સરકાર ભોગવશે. રૂપાણી સરકાર ખેડૂતોના ધિરાણ પાછળ અંદાજે ૩૫ હજાર કરોડ જેટલો ખર્ચો કરે છે. તેવામાં અંદાજે ૨૫ લાખ ખેડૂતોને રૂપાણી સરકારની આ જાહેરાતનો લાભ પહોંચશે. આમ, કૃષિ ધિરાણ મુદ્દે રૂપાણી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં કૃષિ લોન ભરપાઈ કરવાની મુદ્દતમાં વધારો કર્યો છે. રૂપાણી સરકારે કપરા સમયમાં ખેડૂતો પ્રત્યે પણ સંવેદનશીલતા દર્શાવીને આ જાહેરાત કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x