ગુજરાતરાષ્ટ્રીય

લોકડાઉન પૂર્ણ થયા બાદ તબક્કાવાર લોકોને બહાર કાઢવા સંયુક્ત રણનીતિની જરૂર: PM મોદી

અમદાવાદઃ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેના જંગમાં તમામ લોકોએ સાથે મળીને લડાઈ લડવા અપીલ કરી હતી. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને વહીવટકર્તાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગૃહમંત્રી અમીત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા. પ્રધાનમંત્રીએ કોરોના સામેની લડાઈમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રી ભરેલા પગલાંની પ્રશંસા કરી હતી. કોરોના સામેના જંગમાં તમામ લોકો સાથે મળીને કામ કરે તે ખૂબ જરૂરી છે. આ જવાબદારી ફક્ત પોલીસકર્મીઓ આરોગ્ય કર્મીઓની કે સરકારી નથી પણ સમગ્ર દેશવાસીઓની છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આગામી દિવસોમાં કોરોના સામે લડવાની પ્રાથમિકતામાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઇસોલેશન અને ક્વોરેન્ટાઇન રહેશે. જેથી કરીને આ વાયરસને આગળ ફેલતો અટકાવી શકાય. સાથે જ તેમણે ભાર મૂક્યો હતો કે આરોગ્યલક્ષી સુવિધાઓ માટે આયુષ મંત્રાલય તેમજ નિવૃત્ત આરોગ્ય કર્મીઓની મદદ પણ લેવામાં આવે. તેમણે રાજ્યોને સલાહ આપી હતી કે દવાઓ જીવનજરૂરી ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓનો પુરવઠો ખોરવાઈ નહીં તેનું ધ્યાન રાખવામાં આવે.

ગરીબ પરિવારોને મદદ માટે રાજ્ય દ્વારા તબક્કાવાર સહાયની જાહેરાત કરવામાં આવે અને કેન્દ્રના પેકેજની પણ મદદ તેમને મળી રહેશે. રાજ્ય સરકારોએ શાકભાજી અને અનાજ માટે એપીએમસી સિવાયની વૈકલ્પિક વ્યવસ્થાઓ વિશે વિચારવું પડશે. પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું કે સમગ્ર વિશ્વની વર્તમાન પરિસ્થિતિને જોતા કોરોનાનો બીજો તબક્કો પણ આવી શકે છે તેવા સંજોગોમાં ભારતે પહેલેથી જ તૈયાર રહેવું પડશે. લોકડાઉનની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તરત જ લોકોને છૂટ આપવી યોગ્ય નહીં રહે અને તે માટે કેન્દ્ર- રાજ્યોએ ભેગા મળીને સંયુક્ત રણનીતિ કરવી પડશે. જેમાં લોકડાઉન બાદ લોકોને તબક્કાવાર છૂટછાટો આપવામાં આવે અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય તે સુનિશ્ચિત કરવું પડશે.
કોરોના સામેના જંગમાં જીતવા માટે સોશિયલ ડિસ્ટનસિંગ જ એકમાત્ર ઉપાય છે.

તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાના રાજ્યની સ્થિતિને લઈને પ્રધાનમંત્રીને માહિતી આપી તો સાથે જ પ્રધાનમંત્રીએ ભરેલા પગલાંની પ્રશંસા કરી અને નિઝામુદ્દીન મરકઝમાં ભાગ લીધેલા લોકોની ચકાસણી અંગે પણ વિગતવાર ચર્ચા કરી. પ્રધાનમંત્રી તમામ રાજ્યોને ટકોર કરી કે કોરોનાના હોટસ્પોટના આધારે વાયરસને ફેલાતો અટકવવા યુદ્ધના ધોરણે પગલાં ભરવામાં આવે. તમામ સામાજિક અને ધાર્મિક સંસ્થાના આગેવાનો આગળ આવી આ લડાઈમાં સરકારને સાથે આપે તેવી અપીલ પ્રધાનમંત્રીએ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x