ગાંધીનગરગુજરાત

સેવાના નામે રોડ પર ફરતાં લોકો પર પણ રોક લગાવાશે : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર

લોકડાઉનની સ્થિતિમાં ગરીબો સુધી જમવાનું પહોંચે તેવા આશયથી સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો કે વ્યક્તિઓ પોતાના વાહનો સાથે રસ્તા ઉપર નીક‌ળીને સેવા કાર્ય કરે છે પરંતુ હવેથી સરકારે તેને પણ કડકાઈપૂર્વક નિયંત્રિત કરવાનું નક્કી કર્યું છે. ગુજરાત સરકારે આવા કાર્યને બિરદાવ્યું છે પરંતુ લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ પોતાના વાહનો પર ગમે તે સિક્કા મારીને સરકારને ગુમરાહ કરનાર વ્યક્તિ તથા વાહનો સામે સખ્તાઈથી કામ કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારે એવું નક્કી કર્યું છે કે, આવી સેવાભાવી સંસ્થાઓ જાતે નાસ્તો-ભોજનનું વિતરણ કરવાને બદલે સરકારી તંત્રને સુપરત કરશે તો લોકડાઉનનો સારી રીતે અમલ કરી શકાશે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શહેરમાં સેવાના નામે જે વ્યક્તિઓ હજી પણ વાહનો સાથે ફરી રહ્યા છે, તે કોરોના વાયરસના વાહક બને તો મોટી આફત શહેર પર આવી શકે તેમ છે, તેને ધ્યાનમાં રાખી સેવાભાવી સંસ્થાઓ તથા તેના કાર્યકરોને રોડ પર થતી ભીડને નિયંત્રિત કરવા બાબતે રાજ્ય સરકાર ગંભીર છે. આ વૈશ્વિક સંકટને નાથવામાં કોઈ કચાશ ચલાવી લેવાય તેમ નથી ત્યારે આ સેવાભાવી સંસ્થાઓ પોતે બનાવેલી રસોઈ, રાશન સામગ્રી પોતે ન વહેંચતા કલેક્ટર તંત્ર કે કોર્પોરેશનને સુપરત કરે તો કલેક્ટર તંત્ર કે કોર્પોરેશન દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી તેને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.
અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જિલ્લાના ધારાસભ્યો, સંસદોની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક ઉસ્માનપુરા સ્થિત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઓફિસમાં યોજાઇ તેમાં મંત્રીએ આમ જણાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x