ગુજરાતમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધી શકે છે, કાલે થશે જાહેરાત.
ગાંધીનગર :
કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો આવતીકાલે અંતિમ દિવસ છે ત્યારે લોકડાઉનમાં વધારો થશે કે નહી તેને લઇને લોકોમાં ચર્ચા ચાલી રહી છે. સરકાર પણ લોકડાઉનમાં વધારો કરવો કે નહી તેને લઇને બેઠકો કરી રહી છે. ત્યારે આજ રોજ અમદાવાદ ખાતે રાજ્યના ગૃહ મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે PM મોદીએ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. જેમાં મોટાભાગના મુખ્યમંત્રીઓ લોકડાઉન વધારવાના સમર્થનમાં છે. કેન્દ્રના પરામર્શ દ્વારા લોકડાઉન અંગે નિર્ણય કરાશે. રાજ્યમાં લોક ડાઉન વધશે કે નહીં તે અંગે આવતીકાલે જાહેરાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અગાઉ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પણ લોકડાઉન લંબાશે તેવા અણસાર આપ્યા છે. જો કે કેટલાક રાજ્યોએ 30 એપ્રિલ સુધી લોકડાઉનમાં વધારો કરવાની જાહેરાત પણ કરી દીધી છે. હજુ કોરોનાના કેસો કાબુમાં આવી રહ્યા નથી. દિવસે દિવસે આ રોગના કેસોમાં વધારો થઇ રહ્યો છે. અને લોકોમાં આ રોગ ફેલાઈ રહ્યો છે. તેવામાં લોકડાઉન સંપૂર્ણ રીતે ખોલી નાખવું હાલની પરિસ્થિતિએ યોગ્ય જણાતું નથી. આથી લોકડાઉનમાં વધારો કરવાની સરકાર જાહેરાત કરે તેવી પણ પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.