સૅનેટાઇઝેશન ન થતા ભાજપના કોર્પોરેટરે જાહેરમાં લેંઘો ઉતાર્યો.
વડોદરા :
સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં કોર્પોરેટરે અસંસ્કારી વિરોધ કર્યો છે. પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાથી તંત્ર સામે વિરોધના ભાગરૂપે તેમણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે. વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ છે. જેણે મહાનગરપાલિકા સામે વિરોધ નોંધવા લેંઘો ઉતારીને પોતાની માનસિકતાનું પ્રદર્શન કર્યું હતું.
વડોદરાના ભાજપના કોર્પોરેટરે પોતાના વિસ્તારમાં સેનેટાઇઝ સહિતના કામો ન થતાં હોવાના આક્ષેપ કર્યા છે. આ કોર્પોરેટરે વોર્ડ નં – 4 ની ઓફિસમાં જઇને 3 કલાક સુધી અધિકારીઓને ગાળાગાળી કરી હતી. તેમણે અધિકારીઓને ધમકી પણ આપી હતી. વોર્ડ ઓફિસ બહાર ગાડી આડી કરીને મૂકી દીધી હતી. કોર્પોરેટર કપડા કાઢીને જાહેરમાં રોડ પર ઉભા થઇ ગયા હતા. જોકે કોંગ્રેસના કોર્પોરેટરના બધા આક્ષેપોને ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, હું સંસ્કારી છું.
રાજકારણીઓના આવા વિરોધ અનેક સવાલો ઉભા કરે છે. પ્રજાને આવા લોકોને કપડાં ઉતારવા માટે મત આપીને પોતાના પ્રતિનિધિ બનાવ્યા છે ? વિરોધની ઘણી રીતો હોઈ શકે. રજૂઆતો હોઈ શકે. પરંતુ વડોદરાના કોર્પોરેટરે કરેલો આ પ્રકારનો વિરોધ કદાપિ યોગ્ય નથી.