રાશન કીટ વિતરણમાં ભાજપ સરકાર દ્વારા રાજનીતિ કરવામાં આવી રહેલ છે : પરેશ ધાનાણી
ગાંધીનગર :
ગુજરાત વિધાનસભા વિપક્ષનેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ આજ રોજ મુખ્યમંત્રીશ્રીને કોરોના વાયરસની મહામારીના સમયમાં રાશન કીટ વિતરણમાં ભાજપ સરકાર દ્વારા રાજનીતિ ન કરવા પત્ર લખ્યો હતો.
સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે આ મુશ્કેલ ઘડીમાં રાજ્ય સરકારને સતત સાથ અને સહકાર આપી રાજ્યની જનતાને આ મહામારીમાંથી ઉગારી લેવાના ઉદ્દેશ્ય સાથે જવાબદાર વિરોધપક્ષની ભૂમિકા અદા કરી રહી છે. આવા કપરા સમયે ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ પક્ષાપક્ષીથી પર ઉઠી કાર્ય કરે તે જરૂરી છે.
નિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર ના તા. 11-4-2020ના પરિપત્ર મુજબ રાજ્યના Non-NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે ઘઉં, ચોખા, ખાંડ, ચણાદાળ વિગેરેની 15 કિલોની રાશન કીટ વિતરણ કરવા નિર્ણય કરેલ છે, જે મુજબ વિતરણ વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં ચાલુ થયેલ છે. પરંતુ કોરોના વાયરસની મહામારીના સમયમાં ભાજપ સરકાર દ્વારા રાજનીતિ કરવામાં આવી રહેલ છે. ભારતીય જનતા પક્ષ દ્વારા સત્તાના જોરે ઈન્સીડન્ટ કમાન્ડન્ટ અને એક્ઝીક્યુેટીવ મેજીસ્ટ્રેટ (મામલતદારશ્રીઓ) દ્વારા રાજ્યની દરેક વ્યાજબી ભાવની દુકાનો પર ભાજપ પક્ષના બે-બે કાર્યકરોની નિમણુંક કરાવવાના હુકમો કરાવેલ છે, જેથી રાજ્ય્ની પ્રજાને એવો મેસેજ મળે છે કે અનાજની કીટોનું વિતરણ ભારતીય જનતા પક્ષ દ્વારા કરવામાં આવી રહેલ છે. આવા કપરા કાળમાં દરેક જિલ્લા/શહેરમાં સેવાભાવી સંસ્થાઓ ગરીબો/ભુખ્યાને ભોજન આપવાના પ્રયત્નો કરે છે પરંતુ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આવી સંસ્થાઓને પાસ/પરવાનગી આપવામાં આવતી નથી. જ્યારે સરકારની તિજોરીમાંથી ગરીબોને અનાજ વિતરણ કરવામાં આવે છે તેમાં ભાજપ સરકાર દ્વારા રાજકીય રંગ આપીને દેખાડો કરવામાં આવે છે, જે યોગ્ય નથી અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અનાજની કીટનું વિતરણ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.
હાલ દેશ અને રાજ્ય કપરા સમયમાંથી પસાર થઈ રહેલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને જો ખરેખર લોકો પ્રત્યે સંપૂર્ણ સંવેદના હોય તો પાર્ટી ફંડ અન્ય જગ્યા એ વાપરવાને બદલે ‘કમલમ્’ ખાતે અનાજની કીટો બનાવીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં વિતરણ કરી કમલમ્ના કાર્યાલયમાં જમા થયેલ કરોડો રૂપિયાના પાર્ટી ફંડનો સદુપયોગ કરે. કોંગ્રેસ પક્ષ જે રીતે ગરીબ અને મધ્યમ વર્ગ માટે કાર્ય કરી રહી છે તેવી રીતે ભાજપ પક્ષ પણ લોકોની માત્રને માત્ર સેવા કરે તેમાં કોંગ્રેસ પક્ષને કોઈ વાંધો હોઈ શકે જ નહીં. સરકારશ્રીની યોજનાઓ દ્વારા ભાજપ પક્ષ ખોટો જશ ખાટવાનો પ્રયત્ન ન કરે. સમગ્ર રાજ્યમાં ભાજપના કાર્યકરોની નિમણુંક વ્યાજબી ભાવની દુકાનો પર કરવામાં આવેલ છે તેના નમુનારૂપે ભાવનગર જિલ્લામાં થયેલ હુકમોની નકલ પણ મોકલી હતી, જેમાં તમામ ભાજપના જ હોદ્દેદારો/કાર્યકરો હોવાનું જણાય છે, જેના પરથી ખ્યાલ આવશે કે કેટલી હદે આપની સરકાર હલકી કક્ષાનું રાજકારણ આવા કપરા સમયમાં પણ કરી રહી છે.
રાજ્યમાં ભાજપ જ એકમાત્ર રાજકીય પાર્ટી હોય તેમ મામલતદારશ્રીઓ દ્વારા પ્રમુખશ્રી, શહેર/તાલુકા ભાજપ એ મુજબ સંબોધન કરીને વિતરણ થનાર અનાજના જથ્થાની તથા સમયગાળાની વિગતો લેખિતમાં આપવામાં આવેલ છે. ભાજપ પક્ષ દ્વારા અનાજના જથ્થાનું વિતરણ થતું હોય તે મુજબનો સરકારી પત્રવ્યવહાર મામલતદારશ્રીઓ દ્વારા ભાજપ પાર્ટી સાથે કરવામાં આવેલ છે. સત્તાના જોરે મામલતદારશ્રીઓ પાસે સ્વ્યંસેવકોના નામે ભાજપના ગામવાર હોદ્દેદારો/કાર્યકરોના નામોની યાદી મંગાવી મામલતદારશ્રીઓ પાસે હુકમો કરવામાં આવેલ છે, જેના પુરાવા પણ સામેલ કરી મોકલવામાં આવ્યા હતા.
લોકડાઉનની ગાઈડલાઈન અને વહીવટીતંત્રે આપેલ આદેશો શું ભાજપના કાર્યકરો/હોદ્દેદારો/ આગેવાનોને લાગુ નથી પડતા ? કોરોના વાયરસના કારણે જે-તે F.P.S. પર લોકોની ભીડ ભેગી ન થાય અને સોશ્યલ ડીસ્ટેન્સીંગ જળવાઈ રહે તે માટે ભાજપના કાર્યકરોની યાદી મામલતદારશ્રીઓ દ્વારા મંગાવવાની જરૂર નથી, કારણ કે મામલતદારશ્રીઓ પાસે તેમના તાલુકાના પ્રાથમિક શિક્ષકો, સંચાલકો, રેવન્યુ / પંચાયત તલાટી, પોલીસ તંત્ર વગેરે સરકારી માણસોનો સ્ટાફ ઉપલબ્ધી હોય છે, તેમના મારફત આ કામગીરી સહેલાઈથી કરી શકાય તેમ છે. સરકાર દ્વારા વિતરીત થતી સામગ્રી ફક્ત એક જ પક્ષ (ભાજપ) દ્વારા જ થાય છે તેવું દર્શાવવાની જરૂર નથી.
લોકડાઉનના પ્રથમ તબક્કામાં સરકાર ફક્ત બીપીએલ કક્ષાના ગરીબ પરિવારને પણ અનાજ આપવામાં ઉણી ઉતરેલ છે, કારણ કે હલકી ગુણવત્તાનું અનાજ અને અનાજ માફીયાઓ દ્વારા બારોબાર અનાજનો જથ્થો સગેવગે કરવાના કૌભાંડો પ્રકાશમાં આવેલ છે. પુરવઠા વિભાગમાં વારંવાર થતા અનાજના કૌભાંડો નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. હાલ એપીએલ પરિવારને ગઈકાલથી અનાજ વિતરણ ચાલુ કરેલ છે તેમાં પણ મોટાભાગની વ્યાજબી ભાવની દુકાનોમાં પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. તા. 22-3-2020થી લોકડાઉન ચાલુ થયેલ છે ત્યારથી આજદિન સુધી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયેલ છે. ગરીબ પરિવારો બે ટંકના ભોજન માટે પણ વલખાં મારી રહેલ છે. આવા સંજોગોમાં સરકારી યોજનાઓનું રાજકીયકરણ થવું દુઃખદ બાબત છે. સરકાર જ્યારે આવા પરિવારોને ભોજન આપવામાં નિષ્ફળ નીવડી હોય તેવા સંજોગોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવીને તેઓના કાર્યકર્તા મારફત ભોજન વિતરણ કરે ત્યારે સરકારી તંત્ર મારફત આવા કાર્યકરોના પાસ જપ્ત્ કરવા, તેઓને હડધૂત કરવા, તેઓ પર લેવામાં આવતા સખ્તાઈના પગલાંથી સમગ્ર રાજ્યમાં રોષનું વાતાવરણ ઉભું થયેલ છે તેવા સંજોગોમાં ભાજપના કાર્યકરો/હોદ્દેદારો/આગેવાનોને આગળ ધરીને આવી સરકારી યોજનાઓનું રાજકીયકરણ કરવું ખૂબ જ દુઃખદ બાબત છે.
સદર બાબતની સરકારશ્રી કક્ષાએથી તાત્કાલિક ઉચ્ચ અધિકારી મારફત તટસ્થ તપાસ કરાવી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પક્ષાપક્ષીથી પર રહી અનાજની કીટનું વિતરણ થાય તે માટે સંબંધિત F.P.S. પર સરકારી કર્મચારીઓને હાજર રખાવીને વિતરણ કરવામાં આવે અને નિમણુંક આપેલ ભાજપના હોદ્દેદાર/કાર્યકરોના નિમણુંક ઓર્ડરો તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવે તેવી વિનંતી છે. જે-તે F.P.S. પરથી ગરીબો અને મધ્યમવર્ગના લોકોને સૂચવ્યા મુજબની અનાજની કીટનું વિતરણ થાય, તેમાં કોઈ ગેરરીતિ ન થાય તેવી કાર્યવાહી કરવા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી ખાસ આગ્રહભરી વિનંતી છે.