ગાંધીનગરગુજરાત

ઘરવેરા, પાણીવેરા, વીજબિલ વિગેરે તમામ વેરાઓ ભરવામાંથી 6 માસ સુધી મુક્તિ આપો : પરેશ ધાનાણી

ગાંધીનગર :
ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી આજરોજ  મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને માંગ કરી હતી કે કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર રાજ્યમાં લગભગ તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ છે, જે ફરી ક્યારે ચાલુ થશે તે નક્કી નથી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન જીવવું મુશ્કેલ થઈ ગયેલ છે. કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રાજ્યમાં દિવસેને દિવસે ખૂબ જ વધતી જાય છે, જેથી હાલના સંજોગો જોતાં સ્થિતિ પૂર્વવત્‌ ક્યા‍રે થાય તે કહેવું મુશ્કેલ છે અને આગામી લાંબા સમય સુધી ધંધા-રોજગાર ચાલુ થાય તેવી કોઈ શક્યતા જણાતી નથી. રાજ્યના નાના-મધ્યમ દરેક પરિવાર કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાના નાના-મોટા ધંધા બંધ કરીને પોતાના ઘરમાં બેકારી તથા ભુખમરાનો સામનો કરી રહેલ છે. તેઓના કમાણીના સાધનો ઠપ્પ થઈ ગયેલ હોવાથી પોતાનું ગુજરાન ચલાવી શકે તેવી સ્થિતિમાં નથી.

કોરોના વાયરસના કારણે ઉભી થયેલ પરિસ્થિતિ જોતાં સમગ્ર રાજ્યોમાં વેપાર-ધંધાની સ્થિતિ પૂર્વવત્‌ ક્યારે થશે તે કહેવું મુશ્કેલ જણાઈ રહ્‌યું છે. રાજ્યમાં ગરીબ અને મધ્યમવર્ગ તથા રોજનું કમાઈને રોજ ખાનાર પરિવારોની સંખ્યા ખૂબ જ વધારે છે. તેઓની આજીવિકા હાલ બંધ છે, પરંતુ સ્થિતિ પૂર્વવત્ થતાં તેઓ પોતાના ધંધા-રોજગાર ચાલુ કરવામાં જોતરાશે, આવા સંજોગોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા કે અન્ય સત્તાધીશો દ્વારા રાજ્યની પ્રજા ઉપર ચડત વેરાઓ ભરવા માટે કોઈ પણ પ્રકારનાં પગલાં ભરવામાં આવશે તો પણ રાજ્યની પ્રજા પાણીવેરા, ઘરવેરા, વીજબિલ કે અન્ય કોઈ વેરાઓ ભરવા અસમર્થ બનશે. જેથી સરકારશ્રીએ રાજ્યના દરેક પરિવારો પ્રત્યેે સંવેદના વ્યક્ત કરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વસુલ કરવામાં આવતા તમામ કરવેરાઓ ભરવામાંથી આગામી છ માસ સુધી સંપૂર્ણપણે મુક્તિ આપવા રાજ્યની પ્રજાના હિતમાં નિર્ણય કરવો અત્યંણત જરૂરી છે.
કોરોનાની મહામારીથી પીડિત સમગ્ર રાજ્યમાં આગામી છ મહિના સુધી દરેક પરિવારને ઘર વપરાશનું વીજળી બિલ, પાણીવેરો અને અન્ય આ તમામ સ્થાનિક કરવેરાઓમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા તેમજ ગૃહલોનના હપ્તાની પરત ચૂકવણી સ્થગિત કરવા તથા તેના વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા સરકારને વિનંતી કરીએ છીએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x