નરોડા ફાયર સ્ટેશન સીલ કરાયું, કર્મચારીને કોરોના પોઝિટિવ.
અમદાવાદ :
રાજ્યમાં પ્રથમવાર અમદાવાદમાં ફાયરબ્રિગેડના જવાનને કોરોના પોઝિટિવ થયાનો કેસ નોંધાયો છે. જેને લઈને નરોડા ફાયર સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે. શહેરમાં સૅનેટાઇઝેશન સહિતની કામગીરી કરતા ફાયર બ્રિગેડની સુરક્ષા માટે અનેક સવાલો ઉભા થયા હતા. સાથે જ તેમને કોઈ પેકેજ પણ આપવામાં ન આવતા સમગ્ર ફાયર વિભાગના કર્મચારીઓમાં નારાજગી હતી. તેવામાં ફાયરના કર્મચારીને પોઝિટિવ રિપોર્ટ આવતા સમગ્ર ફાયર સ્ટાફમાં ફફળાટ ફેલાયો છે.
નરોડા ફાયર સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે તેમના પરિવારજનોને પણ ચેપ લાગ્યો હોવાનીસ શંકાએ તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સાથે આ કર્મચારી સાથે કામ કરતા તમામને પણ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જેને લઈને સમગ્ર ફાયર સ્ટેશન સીલ કરી દેવામાં આવ્યું છે. આ કર્મચારીને કેવી રીતે કોરોનાનો ચેપ લાગ્યો તેની પણ તપાસ હાલ ચાલી રહી છે.