અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બેડ ન મળતા કોરોનાનાં દર્દીઓ રસ્તા પર રઝળ્યા.
અમદાવાદ :
સમગ્ર દેશની સાથે સાથે રાજ્યમાં કોરોના વાયરસે ભરડો લીધો છે ત્યારે અમદાવાદની જાણીતી સિવિલ હોસ્પિટલમાં દર્દી માટે બેડની વ્યવસ્થાનો અભાવ જોવા મળતા દર્દીઓ તથા તેમની સાથે આવેલા સ્વજનો પરેશાન થઇ ગયા હતા. આ અંગે મળતી વિગત મુજબ, શહેરની જાણીતી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેના ખાટલાની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો છે. આમ થવાને કારણે 25થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ બેડની રાહમાં બપોરે 3 વાગ્યાથી રસ્તા પર ભટકી રહ્યા છે. ત્યારે આ ઘટનાનો એક વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી.
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં થઇ રહ્યો છે વધારો
ગુજરાતમાં કોરોનાના વધુ 367 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં માત્ર અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 239 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં વધુ 89 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 22 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે માસ સેમ્પલિંગની કામગીરીથી રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે.
રાજ્યમાં કોરોના વાયરસના 1752 કેસ
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના દર્દીઓની સંખ્યા 1752 પર પહોંચી છે. તો કોરોનાને કારણે અત્યાર સુધી 63 દર્દીઓના મોત થયા છે. જયંતિ રવિએ કહ્યું કે રાજ્યમાં જે કેસ નોંધા છે. તે તમામ હોટ સ્પોટ વિસ્તારના જ છે. ગુજરાતનાં ટેસ્ટિંગની કેન્દ્રએ નોંધ લીધી છે. કેન્દ્રીય ટીમે અમદાવાદની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ટીમે ગુજરાતની પ્રશંસા કરી છે. અન્ય વિસ્તારોની પણ મુલાકાત લીધી છે. સઘન ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે.