UPSCની પરીક્ષાના નવા કેલેન્ડરની થશે જાહેરાત, 5 જૂને બેઠક.
નવી દિલ્હી :
UPSC દ્વારા 5 જૂને બેઠક યોજાયા પછી પરીક્ષાના નવા કેલેન્ડરની જાહેરાત કરવામાં આવશે
કેન્દ્રીય જાહેર સેવા પંચે કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી પ્રતિબંધોના ત્રીજા તબક્કા પછી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વિશેષ બેઠકનું આયોજન કર્યું હતું. કેટલાક પ્રતિબંધો લંબાવવામાં આવ્યા હોવાની નોંધ લઇને, પંચે એવો નિર્ણય કર્યો છે કે, વર્તમાન સ્થિતિમાં પરીક્ષાઓ અથવા ઇન્ટરવ્યુની કામગીરી ફરી શરૂ કરવી શક્ય નથી. જોકે, પંચે નોંધ લીધી હતી કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર છુટછાટો આપવામાં આવી રહી છે અને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ચોથા તબક્કાનું લૉકડાઉન પૂરું થયા પછી વધુ એક વખત પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી મુલતવી રાખવામાં આવેલી વિવિધ પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુના ઉમેદવારોને વધુ સ્પષ્ટતા આપવાના આશય સાથે પંચે 5 જૂન 2020ના રોજ તેમની આગામી બેઠકમાં પરીક્ષાઓનું સુધારેલું શિડ્યૂલ ઇશ્યુ કરવાનો નિર્ણય લીધો છે.