ગુજરાતને બદનામ કરવાની માનસિકતાથી કોરોના વોરિયર્સનું મનોબળ તોડવાનું બંધ કરો : પ્રદીપસિંહ જાડેજા
ગાંધીનગર :
ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના અગ્રણી શ્રી શક્તિસિંહ ગોહિલે કોરોનામાં ગુજરાતની જનતા ભગવાન ભરોસે છે. તેવા કરેલા નિવેદનને સત્યથી વેગળા અને હકીકતોથી જોજનો દૂરના નિવેદન ગણાવ્યા છે.
ગૃહ રાજ્યમત્રીશ્રીએ શક્તિસિંહ ગોહિલને એવા વેધક સવાલ કર્યો છે કે, તેમને મુંબઈનો અને મહારાષ્ટ્રનો બચાવ કરવાનો રાગ આલાપવાની ફરજ એટલે પડી લાગે છે કે, રાષ્ટ્રીય રાજકારણમાં તમારો કોઈ ગજ વાગતો નથી તો મહારાષ્ટ્રમાં યુતિ સરકારમાં હવે પગપેસારો કરવાની મૂરાદ છે ?
શ્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, શક્તિસિંહજી જે આંકડાઓની ભ્રમજાળ રચીને કોરોના અંગે ગુજરાતને – ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની શ્રી વિજયભાઈ રૂપાણી સરકારને બદનામ કરવાની પેરવી કરે છે તેમણે આંકડાઓની સત્યતા જોઈ તપાસીને નિવેદન કર્યું હોત તો આપોઆપ દુધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાત.
તેમણે કહ્યું કે, શક્તિસિંહ ગોહિલ મુંબઈ જેવા મહાનગર સાથે અમદાવાદની કોરોના સ્થિતિની તુલના કરે છે પરંતુ આંકડાઓની માયાજળ ઊભી કરવામાં થાપ ખાઈ ગયા છે ને ખોટે ખોટા આંકડાઓ આપી પ્રજા માનસમાં છવાઈ જવાના હવાતીયાં મારે છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, મુંબઈમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સ્થિતી વિકટ છે અને હોસ્પિટલોમાં બેડ નથી તે વાત શક્તિસિંહ કેમ કરતાં નથી? ગુજરાતમાં તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની આગેવાની વાળી સરકારે કુલ ૪૩ હજારથી વધુ બેડની સુવિધાઓ સાથે સંકળાયેલ કોવિડ-૧૯ હોસ્પિટલો મહાનગરો અને જિલ્લા મથકોમાં ક્યારનીયે કાર્યરત કરી દિધી છે. એટલું જ નહિં, મુંબઇમાં તો ૧૩૦૨૩ બેડની કુલ કેપેસિટી સામે અમદાવાદમાં ૧૫૪૮૯ની બેડ કેપેસિટી છે.
શક્તિસિંહ ગોહિલ એવો દાવો કરે છે કે, મુંબઈમાં કોરોના ટેસ્ટ વધુ થાય છે એટલે કેસ વધારે નોંધાય છે. પરંતુ, શક્તિસિંહજી તમે સત્તાવાર આંકડાઓ જોયા હોત ને તો આવો બફાટના જ કર્યો હોત એમ શ્રી જાડેજાએ જણાવતાં કહ્યું કે, હકીકત એ છે કે મુંબઈમાં ૧૦ લાખ વ્યક્તિ એ ૭૧૦૦ ટેસ્ટ થાય છે જ્યારે અમદાવાદમાં ૯૦૩૫ ટેસ્ટ કરવામાં આવે છે.
એટલું જ નહિં, મુંબઈમાં તો અમદાવાદ કરતાં ત્રણ ગણા એક્ટિવ કેસ છે. અમદાવાદમાં ૧૦ હજાર કેસો એક્ટિવની સામે મુંબઈમાં ૩૨ હજાર જેટલાં કેસો છે એ પણ તમારી નજરે નથી ચઢતું શક્તિસિંહ એમ પણ શ્રી જાડેજાએ સવાલ ઉઠાવ્યો છે.
ગુજરાતમાં મૃત્યુદર વધુ છે અને સરકાર આંકડા છુપાવે છે એવું કહીને શ્રી શક્તિસિંહ પોતાનું અજ્ઞાન છતું કરે છે. તેમ જણાવતાં ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં દર્દીઓની સારવાર સુશ્રૃષા માટેની પદ્ધતિઓ અને સેવાઓની એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરીયાએ પણ નોંધ લીધી છે. અને તેમણે ગુજરાતની મુલાકાત લઈને સમગ્ર આરોગ્ય તંત્રને માર્ગદર્શન પણ આપ્યું છે.
ગુજરાતમાં કોરોનાગ્રસ્તો સાથે જ ગંભીર રોગ કિડની, લિવર અને કેન્સરના રોગગ્રસ્તોને પણ ત્વરિત સારવાર આપીને પ્રત્યેક માનવ જીંદગી બચાવી લેવાનો ભગીરથ પુરુષાર્થ કોરોના વોરિયર્સ અને તબીબો ખડેપગે તૈનાત રહીને કરે છે અને તમે મૃત્યુદર વધારે છે તેમ કહીને તેમની સેવા પરાયણતા પર શંકાની સોય ઉઠાવો છે.
તેમણે ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટીની શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર તો એવી સંવેદનશીલતા ધરાવે છે કે, ક્રિટીકલ કેર માટે રૂ. ૪૦ હજારની કિંમતનું “ટોસિલિઝુમા ઈન્જેક્શન” દર્દીને વિનામૂલ્યે આપીને અમે તેનો ખર્ચ ભોગવીને પણ દર્દીની જીંદગી બચાવીએ છીએ.
કોરોના સંક્રમિત હોય કે અન્ય કોઈ ગંભીર બીમારીથી પિડિત હોય. આ સરકાર પૈસાની ચિંતા કર્યા વગર ગુજરાતમાં હરેક નાગરિકની શ્રેષ્ઠ સારવાર ઉપચારથી આરોગ્ય સુખાકારી જાળવવા પ્રતિબદ્ધ છે.
કોરોનાના આ કપરાં કાળમાં સૌ કોરોના વોરિયર અને સમાજનું મોરલ તોડવાને બદલે આ સેવા કરનારાઓનું યોગદાન શક્તિસિંહજી જાણે અને કમસેકમ આવા ખોટા આંકડાઓ વાળા જુઠાણા ફેલાવવનું બંધ કરે તો પણ તેમણે ગુજરાતની સેવા કરી ગણાશે તેમ શ્રી જાડેજાએ ઉમેર્યું છે.