ગાંધીનગરગુજરાત

પાટનગરમાં ડી-માર્ટમાં કામ કરતી 3 યુવતીઓ કોરોનાગ્રસ્ત થતાં નાગરિકોમાં ફફડાટ વધ્યો.

ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લામાં ગત 24 કલાક દરમિયાન નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 381 થઇ છે. જેમાંથી 15 લોકોનાં મોત થયાં છે અને 172 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 7 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં જૂના સચિવાલયમાં બ્લોક નં-17 ખાતે ટ્રેઝરી વિભાગમાં ફરજ બજાવતા અને સેકટર-3-ડી ખાતે રહેતા 57 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સેકટર-5 સી ખાતે રહેતાં અને જિલ્લા તિજોરી કચેરીમાં ફરજ બજાવતા 56 વર્ષીય આધેડ પણ કોરોનાગ્રસ્ત થયા છે.
પાટનગર અને આસપાસના વિસ્તારોમાં કરિયાણા સહિતની વસ્તુઓ ખરીદવા માટે પસંદગીના સ્થળ તરીકે જાણીતા ડી-માર્ટમાં કામ કરતી 3 યુવતીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમા સે-24 ઈન્દિરાનગર ખાતે રહેતી 21 વર્ષની યુવતી, ગોકુળપુરાની 19 વર્ષીય યુવતી પોઝિટિવ આવી છે. શાક અને કરિયાણાના વેપારીઓની જેમ મોલના કર્મચારીઓ પણ કોરોનાગ્રસ્ત થતાં નાગરિકોમાં ફફડાટ વધ્યો છે.
કલોલ પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અને સેકટર-24 પોસ્ટ કોલોનીમાં રહેતા 26 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પત્ની અમદાવાદની એલજી હોસ્પિટલ ખાતે નર્સ તરીકે ફરજ બજાવે છે. આ સાથે જ GEB છાપરા ખાતે કરિયાણાની દુકાન ધરાવનારો 32 વર્ષીય યુવક કોરોનાગ્રસ્ત થયો છે. આ સાથે જ કલોલ પંથકમાં 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં મોતીલાલ પાર્કમાં રહેતા 40 વર્ષના પુરુષ, મહેન્દ્ર મિલની ચાલીમાં રહેતો 34 વર્ષનો યુવક, અમૃત કુંજ સોસાયટીમાં રહેતા 74 વર્ષના વૃધ્ધ તેમજ ઉમિયા રેસીડેન્સીમાં રહેતા 42 વર્ષના પુરુષ, સોજા ગામમાં રહેતી અને ગાંધીનગરના ડી-માર્ટમાં નોકરી કરતી 25 વર્ષની યુવતી, છત્રાલમાં રહેતી 28 વર્ષની પરિણીતા સામેલ છે.
આ ઉપરાંત સઇજ સંસ્કાર રેસીડેન્સીમાં રહેતો અને કલોલના એક મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો 27 વર્ષનો યુવક, પાનસરમાં રહેતો અને ગાંધીનગરની શાકમાર્કેટમાં નોકરી કરતો 33 વર્ષનો યુવક, જલારામ સોસાયટીમાં 44 વર્ષનો પુરુષ ઉપરાંત લીંબોદરાના 82 વર્ષ તેમજ 42 વર્ષના ઉંમર પુરુષનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જે ગાંધીનગરના પીંડારડા ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવે છે, જ્યારે દહેગામ શહેર અને પંથકમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં દહેગામ શહેરમાં રહેતી 72 અને 40 વર્ષની સ્ત્રી તેમજ 57 વર્ષના એક પુરૂષ તેમજ તાલુકાના બોરિયા બારડોલી ગામના 40 વર્ષની મહિલા સામેલ છે. આ સાથે દહેગામ પંથકમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 30 થયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x