IITEના સત્તા મંડળોએ રાજ્યની 39 બી.એડ. કોલેજો સાથેના જોડાણને મંજૂરી આપી
ગાંધીનગર :
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (Indian Institute of Teacher Education -IITE), ગાંધીનગરને રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીના ભાગરૂપે 6 જૂનના રોજ રાજ્યની 39 અને કેન્દ્રશાસિત પ્રદેશ દિવ, દમણ અને દાદરા નગર હવેલીની એક (1), એમ મળીને કુલ 40 સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ બી.એડ. કોલેજોને વિધિવત જોડાણ આપવામાં આવ્યું છે. આ સાથે આઈઆઈટીઈ સાથે જોડાનારી જિલ્લા શિક્ષણ તાલીમ ભવનો (ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ – ડાયેટ) મળીને કુલ બી.એડ. કોલેજોની સંખ્યા 59 થઈ છે. આગામી 10 જૂનથી શરૂ થઈ રહેલી આઈઆઈટીઈની પ્રવેશ પ્રક્રિયામાં આ તમામ બી.એડ. કોલેજોનો સમાવેશ થશે.
ટીચર યુનિવર્સિટી તરીકે જાણીતી આઈઆઈટીઈની એકેડેમિક કાઉન્સિલ તથા એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક 6જૂનના રોજ કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં રાજ્યની વિવિધ યુનિવર્સિટી સાથે જોડાયેલી સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ બી.એડ. કોલેજોનું જોડાણ રાજ્ય સરકારના આદેશ અનુસાર નિયત પ્રક્રિયા થકી આઈઆઈટીઈ સાથે મંજૂર કરવામાં આવ્યું હતું.
આ વિશે માહિતી આપતા આઈઆઈટીઈના કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલે જણાવ્યુ હતું કે, “આઈઆઈટીઈની સ્થાપના વૈશ્વિક સ્તરનું જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા ગ્લૉબલ ઇન્ડિયન ટીચર્સ તૈયાર કરવાના ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવાના હેતુથી થઈ હતી. આ યુનિવર્સિટીના વિકાસ અને વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે. જેના ભાગરૂપે માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના આહ્વાન અને માન. શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના દિશાસૂચનથી રાજ્યની વિવિધ યુનિવર્સિટી સાથે જોડાયેલી સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ બી.એડ. કોલેજોની જવાબદારી આઈઆઈટીઈને સોંપવામાં આવી છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આજે સતત બદલાઈ રહેલા વિશ્વને ધ્યાનમાં રાખીને શિક્ષક પ્રશિક્ષણને પણ વૈશ્વિક સ્તરે બદલાતા કૌશલ્ય પ્રવાહોને ધ્યાનમાં રાખીને ભારતીય મૂલ્યોના સિંચન સાથે ભાવિ શિક્ષકોનું ઘડતર કરવી ક્યારેય ન હોય તેવી જરૂરિયાત ઊભી થઈ છે. આ સમયે રાજ્યમાં છેલ્લાં 50 વર્ષ કે તેથી પણ વધુ સમયથી શિક્ષક પ્રશિક્ષણનું કાર્ય કરી રહેલી બી.એડ. કોલેજોના નીવડેલાં અને અનુભવી શિક્ષક પ્રશિક્ષકો આઈઆઈટીઈ સાથે જોડાઈ રહ્યા છે, એટલે તેમના જ્ઞાનનો લાભ વિસ્તારવામાં આઈઆઈટીઈ માધ્યમ બનશે તેનો આનંદ છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “આ બી.એડ. કોલેજોના જોડાણથી શિક્ષક પ્રશિક્ષણની પ્રક્રિયા સઘન બનશે તથા એક ચોક્કસ દિશામાં ગતિ સાથે આગળ ધપશે.”
યુનિવર્સિટીએ 29 મેના રોજ થયેલા સરકારી આદેશ બાદ 6 જૂન સુધીના ગણતરીના દિવસોમાં જ તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ બી.એડ. કોલેજો સાથેનું પોતાનું જોડાણ રદ કરીને આઈઆઈટીઈ સાથેનું જોડાણ, ઝડપી અને સરળ બનાવવા બદલ શિક્ષણ વિભાગ, તમામ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ તથા સત્તામંડળો, ગ્રાન્ટ-ઇન-કોલેજોની સંસ્થાઓના સંવાહકો, બી.એડ. કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા તથા એલઆઈસીની પ્રક્રિયા સાથે સંકળાયેલા શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞોનો આભાર વ્યક્ત કર્યો છે.