આખરે મોરારી બાપુએ માગી માફી ! શ્રીકૃષ્ણ તેમના વંશજ અને દ્વારકા નગરીની કરી હતી ટીકા
ગાંધીનગર :
મોરારી બાપુનો હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ તેમના વંશજ તેમજ દ્વારિકા નગરીને લઈ વિવાદિત ટિપ્પણી કરી હતી. આ અંગેનો વીડિયો વાયરલ થતા ચારેય તરફ મોરારી બાપૂનો વિરોધ થઈ રહ્યો છે. જો કે વધુ વિવાદ થતા કથાકાર મોરારી બાપુએ માફી માગી છે.
વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, કૃષ્ણ સમગ્ર દુનિયામાં ધર્મ સંસ્થાપના માટે પ્રયાસ કરતા રહ્યા પરંતુ દ્વારકા નગરીમાં જ ધર્મસ્થાપન નહોતા કરી શક્યા. તેમણે ભગવાન કૃષ્ણના ભાઈ બલરામ અંગે પણ વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું દ્વારિકા નગરીના રાજમાર્ગ પર કૃષ્ણના દિકરાના દિકરાઓ ખૂબ જ નશો કરતા હતા.
કથાકાર મોરારી બાપુના વાયરલ વીડિયો બાદ કાન્હા વિચાર મંચ નામની સંસ્થાએ બાપુને ખુલ્લો પત્ર લખ્યો છે અને અક્ષમ્ય અપરાધોની આત્મશુદ્ધી કરવા અનુરોધ કર્યો છે. દશ દિવસમાં દ્વારકાના જગદીશ મંદિરે જઈને અપરાધની ક્ષમા માંગવાની માંગ કરી છે. કાન્હા વિચાર મંચે જો મોરારી બાપુ દ્વારિકા જઈને અપરાધની ક્ષમા નહી માંગેતો તમામ કૃષ્ણભક્તો સાથે કૃષ્ણ ચિંધ્યા રાહે પંચજન્ય ફૂંકશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. કાન્હા વિચાર મંચે કહ્યુ કે, કૃષ્ણવંશીઓને દારૂડીયા અને છેડતી કરનારા કહીને હજારો વર્ષના એ સંબંધનુ અપમાન કર્યુ છે. ભગતબાપુ કાગની રચનાને ખોટી રીતે ચીતરીને અપમાન પણ કર્યુ છે. ભારત દેશના એકમાત્ર કિસાનદેવ એવા હળધારી બલરામજીને દારૂડીયા અને લંપટ ચીતરીને જગતતાત અન્નદાતા કિસાનોનુ અપમાન કર્યાનો આક્ષેપ લગાવ્યો છે.
જો કે વધુ વિવાદ થતા આખરે કથાકાર મોરારી બાપુએ માફી માગી છે. તેમણે કહ્યુ હતુ કે, હું તો સંવાદનો માણસ છું. ભુલ તો દેવથી પણ થાય હું તો તુચ્છ માણસ માત્ર છું. જો મારાથી કોઈનું દિલ દુભાયુ હોય તો ખરા દિલથી માફી માંગુ છું. હું ખરા હ્દયથી ક્ષમા પાર્થુ છું.
જણાવી દઈએ મોરારી બાપુનો આ વીડિયો વાયરલ થયા બાદ કૃષ્ણ ભક્તોમાં રોષની લાગણી જોવા મળી હતી. ગુજરાત ઉપરાંત યુપીના લખનઉ અને દિલ્હીમાંથી પણ વિરોધ જોવા મળ્યો છે.