ગાંધીનગર શહેરમાં કોર્પોરેશન દ્વારા વધુ આઠ કન્ટેન્મેન્ટ ઝોન નાના કરાશે
ગાંધીનગર :
રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં કોરોના વાઈરસનું સંક્રમણ રોકવા માટે કોર્પોરેશન તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહયા છે જેના ભાગરૂપે શહેરમાં જે વિસ્તારમાંથી કોરોનાના દર્દી મળે ત્યાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરીને તે વિસ્તારને ચારે બાજુથી સંપૂર્ણ સીલ કરી એક જ એન્ટ્રી-એક્ઝિટ રાખવામાં આવે છે. અહીંથી પસાર થતાં લોકોની નોંધ પણ કરવામાં આવતી હોય છે જેથી આ વાઈરસને વધુ પ્રસરતો અટકાવી શકાય. જો કે અગાઉ પોલીસી પ્રમાણે આસપાસના મોટા વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવી લેવામાં આવતો હતો. જેના કારણે એક કન્ટેન્મેન્ટ ઝોનમાં હજારથી વધુ લોકોને આવરી લેવામાં આવતાં હોવાના કારણે વસાહતીઓને મુશ્કેલી પડતી હતી. જેથી કોર્પોરેશને આ કન્ટેન્મેન્ટ ઝોન મામલે નવી પોલીસી તૈયાર કરીને અસરગ્રસ્ત મકાનની આસપાસના ર૦થી રપ મકાનોને જ કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવવાનું નક્કી કર્યું હતું અને નવા કન્ટેન્મેન્ટ ઝોન આ જ પોલીસી પ્રમાણે તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે અગાઉ જાહેર કરાયેલા કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ નવી પોલીસી લાગુ કરીને તેનો વિસ્તાર નાનો કરી દેવામાં આવ્યો હતો. કોર્પોરેશને અગાઉ છ જેટલા કન્ટેન્મેન્ટ ઝોન નાના કરી દીધા હતા ત્યારે વધુ આઠ જેટલા કન્ટેન્મેન્ટ ઝોનને નાના કરવામાં આવનાર છે જેમાં સે-ર૪ શ્રીનગર, સે-ર/બી, સે-૭/સી, સે-૧૩ં/બી, સે-૪/સી, સે-૩/ન્યુ, સે-ર૭ સ્વસ્તિક સોસાયટી અને સે-પ/સીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મામલે નવું સુધારેલું જાહેરનામું પણ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.