ગાંધીનગર

ગાંધીનગર મનપામાં પૂર્વ ચેરમેન મનુભાઇ પટેલે ડે.મ્યુનિ.કમિ.ની કચેરીમાં જ ના.ઇજનેરને રીવોલ્વરથી મારવાની ધમકી આપી

ગાંધીનગર :

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ સમિતીના પૂર્વ ચેરમેન મનુભાઇ પટેલે નાયબ મ્યુનિ. કમિશનરની કચેરીમાં જ કોર્પોરેશનના નાયબ કાર્યપાલક ઈજનેર ધર્મેશ છાયાને જાનથી મારી નાંખવાની ધમકી આપી અપમાનજનક શબ્દો કહ્યા અને રીવોલ્વરથી મારવાની ધમકી આપતાં તેમણે આ અંગે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરીને આ સંદર્ભે ગુનો દાખલ કરાવવા માંગણી કરી છે. ગાંધીનગર મહાનગરપાલીકામાં હાલ ભાજપનું શાસન છે અને ભાજપના જ કોર્પોરેટર અને પૂર્વ ચેરમેન એવા મનુભાઈ પટેલ દ્વારા અહીં કર્મચારીઓ સાથે તોછડું વર્તન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરીયાદો ઉઠતી રહી છે. તેમના ચેરમેન કાળ દરમ્યાન એક મહિલા કર્મચારી સાથે ગાળાગાળીની ઘટનાના પગલે કોર્પોરેશનના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. તેમ છતાં ભાજપના આ નેતાએ આ વર્તન ચાલુ જ રાખ્યું છે. કોર્પોરેશનના નાયબ કાર્યપાલક ઈજનેર ધર્મેશ છાયાએ મ્યુનિ. કમિશનરને કરેલી ફરિયાદ પ્રમાણે નાયબ મ્યુનિ. કમિશનરની કચેરીમાં કોર્પોરેટર મનુભાઈ પટેલ, કોર્પોરેટર હર્ષાબા ધાંધલના પતિ જીલુભા ધાંધલ અને પ્રવીણાબેન દરજીના પતિ કનુભાઈ દરજી હાજર હતા તે સમયે ધર્મેશભાઈ છાયા નામના વૃધ્ધ કર્મચારીને કામ અર્થે બોલાવીને વિગતો માંગી હતી. તેઓના જતા જ મનુભાઈએ ‘વ્હીકલપુલ ખાતે પડેલ મીની સ્વીપર મશીન શા માટે કોઈ ઈન્સ્પેક્શન કર્યા વગર એન્જસી પાસેથી તમે લીધેલું છે.’ તેવું પૂછતાં ઈજનેરે તે સમયે કોર્પોરેશનમાં નોકરી કરતાં ન હોવાથી તે બાબતે જાણ ન હોવાનું કહ્યું હતું. જેને પગલે મનુભાઈએ હાજર થયા પછી એજન્સીને આ બાબતનો લેખિત રિપોર્ટ કેમ ન માંગ્યો તેમ પૂછતાં ઈજનેરે મીકેનિકલ શાખામાં ટેન્ડર થયું હોવાથી પોતે કોઈ કામગીરી ન કરવાનું હોવાનું કહ્યું હતું. ધર્મેશ છાયાના આક્ષેપ મુજબ મનુભાઈ તેમને અપમાનજનક વાક્યો બોલવા લાગ્યાં અને ગાળાગાળી પણ કરી હતી. જેને પગલે તેઓ ઉભા થઈને બહાર જવાનો પ્રયત્ન કરતાં મનુભાઈએ તેમનો હાથ પકડીને ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો અને મારો જવાબ આપ્યા વગર તું બહાર ન નીકળી શકે મારી પાસે રિવોલ્વર છે ગોળીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વૃધ્ધ અધિકારીએ આ સંદર્ભે ફોજદારી કાર્યવાહી કરવા માટે પણ માંગણી કરી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે કમિશનર દ્વારા આ મામલે શું પગલાં ભરવામાં આવે છે અને કર્મચારીઓ પણ આ વૃધ્ધ અધિકારીના પડખે ઉભા રહે છે કે પછી સત્તાપક્ષની તરફેણ કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x