ફી મામલે વાલીઓને મોટી રાહત, શાળાઓ નિયમિત શરૂ ન થાય ત્યાં સુધી ફી ન વસૂલવા આદેશ
ગાંધીનગર :
રાજ્યની શાળાઓ વાસ્તવિક રીતે બંધ થઇ તે સમયગાળાથી શરૂ કરીને શાળાઓ પુન: વાસ્તવિક રીતે શરૂ થાય તે સમયગાળા સુધી કોઇ પણ પ્રકારની ટ્યુશન ફી વસૂલ કરી શકશે નહીં તેવો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેની સાથો-સાથ કોઇ પણ પ્રકારનો ફી વધારો પણ સ્વ-નિર્ભર શાળાઓ કરી શકશે નહીં અને લોકડાઉનનાં સમયગાળા દરમિયાન શાળાઓને થયેલા શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓનાં વેતનનો વાસ્તવિક ખર્ચ ગુજરાત સ્વ નિર્ભર શાળાઓ ( ફી નિયમન ) અધિનિયમ 2017ની કલમ 10 મુજબ આગામી વર્ષની ફી નક્કી કરતી વખતે ફી નિયમન સમિતિ દ્રારા ધ્યાનમાં લેવામાં આવશે.
રાજ્યનાં શિક્ષણ વિભાગે વધુમાં એવી પણ તાકીદ કરી છે કે જો કોઇ વાલીએ એડવાન્સ ફી ભરી હોય તો તેવા વાલીને શાળાએ આગામી સમયમાં લેવાની થતી ફી સામે વધારાની રકમ સરભર કરી આપવાની રહેશે. ઉપરાંત ધો.1 થી 8 માં અભ્યાસ કરતાં કોઇ પણ વિદ્યાર્થીને શાળામાંથી દૂર કરી શકાશે નહીં. આ જોગવાઇનું તમામ શાળાઓએ પાલન કરવાનું રહેશે. હાઇકોર્ટનાં આદેશો અનુસાર કોઇ શાળા 30મી જૂન સુધી ફી નહીં ભરનારા વિદ્યાર્થીને શાળામાંથી દૂર કરી શકશે નહીં.
લોકડાઉનનાં પગલે સર્જાયેલી શાળાઓ તથા શિક્ષણની પરિસ્થિતિ અંગે થયેલી રીટ અરજીઓમાં હાઇકોર્ટ તથા કેન્દ્ર સરકારે આપેલી ગાઇડલાઇન પર ચર્ચા વિચારણાનાં અંતે રાજ્યનાં શિક્ષણ વિભાગે ઉપર્યુક્ત નિર્ણયો કર્યા છે. તેની સાથો સાથ હોમ લર્નીંગ અંગેનાં ઠરાવમાં દર્શાવ્યાં મુજબ ધો.5 થી 12 માટે બાયસેગ મારફતે વંદે ગુજરાત ચેનલ પરથી પ્રસારિત થતાં શૈક્ષણિક કાર્યક્રમો સમયપત્રક મુજબ બાળકો જોઇ શકે તે માટે શાળાઓએ પ્રચાર પ્રસાર કરવાનો રહેશે.
ઉપરાંત વૈકલ્પિક પ્રવત્તિઓ / સુવિધાઓ માટેની ફી અંગે જોગવાઇ છે. પરંતુ હાલ બંધ શાળાઓ દ્રારા ઇતર પ્રવૃત્તિઓ માટે નિયત કરાયેલી ફી શાળાઓ નિયમિત શરૂ ના થાય ત્યાં સુધી કોઇ વિદ્યાર્થી પાસેથી વસૂલવાની રહેશે નહીં અને જો કોઇ વિદ્યાર્થીએ ફી ભરી હોય તો તે શાળા નિયમિત શરૂ થાય ત્યારે મજરે આપવાની રહેશે.
રાજ્ય સરકારનાં ધ્યાન પર આવેલ છે કે સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિમાં પણ સ્વનિર્ભર શાળાઓ વિદ્યાર્થીઓ વાલીઓ પાસેથી ફીની માંગણી કરી તેમને ફી ભરવા ફરજ પાડે છે. ઉપરાંત કેટલીક ખાનગી શાળાઓ પોતાના શૈક્ષણિક તેમ જ બિન શૈક્ષણિક કર્મચારીઓને વેતન ચુકવતી નથી એટલે કે તેમનાં વેતનનાં 40 થી 50 ટકા જેટલું ઓછું વેતન આપે છે. શૈક્ષણિક સંસ્થાઓ એ ચેરીટેબલ સંસ્થાઓ છે. તેમની રચનાનો મુખ્ય હેતુ નફાખોરી કર્યા વિના સમાજને શિક્ષણ આપવા જેવો ઉમદા હોય છે. ખાસ કરીને હમણાંની ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાં વાલીઓ/વિદ્યાર્થીઓ કપરી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં હોય ત્યારે આ સંસ્થાઓએ તેમને મહત્તમ ટેકો આપવો જોઇએ. તેમ છતાં શિક્ષણ વિભાગને ઉદ્દેશીને લખાયેલા ગુજરાતની સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે આવી વિકટ પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં વિદ્યાર્થીઓ માટે ફીમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો કરવાનો ઇન્કાર કરી દીધો છે. જેથી શિક્ષણ વિભાગે જાહેર હિતમાં ઉક્ત આદેશો કર્યા છે.
અત્રે નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ ફી મામલે વાલીઓને મોટી રાહત આપવામાં આવી છે. કોરોનાકાળમાં ફી ઉઘરાવતી શાળાઓને HC દ્વારા ફટકાર આપવામાં આવ્યો છે. સ્કૂલ ફી મામલે વાલીઓને મોટી રાહત હાઇકોર્ટે જણાવ્યું કે, “શાળા ખુલે નહીં ત્યાં સુધી વાલીઓ પાસેથી ફીની માંગ નહીં કરવી. શાળાઓ વાલીઓને ફી મુદ્દે દબાણ નહીં કરી શકે. દબાણની ફરિયાદ પર DEO જરૂરી પગલાં લે. જાહેર હિતની અરજીને પગલે હાઇકોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે.”