આતંકવાદનો ખાતમો, વ્યાપાર, સંરક્ષણને મહત્વ આપીશું : ટ્રમ્પની મોદી સાથે ફોન પર વાતચીત
નવી દિલ્હી,
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ પહેલી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ફોન પર વાતચીત કરી હતી. જે દરમિયાન ટ્રમ્પે ભારતને અમેરિકાનો મિત્ર દેશ ગણાવ્યો હતો. સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું હતું, તો મોદીએ પણ ટ્રમ્પને ભારત આવવા આમંત્રીત કર્યા હતા. આ દરમિયાન કેટલાક મહત્વના મુદ્દાઓ પર બન્ને વચ્ચે વાતચીત થઇ હતી.
મોદી અને ટ્રમ્પ બન્ને વચ્ચેની વાતચીતમાં આતંકવાદ, સુરક્ષા અને વ્યાપારને વધુ મહત્વ અપાયું હતું. ટ્રમ્પે મોદીને કહ્યું કે વૈશ્વિક આતંકવાદ મુદ્દે ભારત અને અમેરિકા બન્ને ખભેખભો મિલાવી સાથે ચાલશે. બન્ને મળીને સંબંધોને વધુ મજબુત બનાવશે.
બન્ને વચ્ચેની વાતચીતમાં આતંકવાદ ઉપરાંત ભવિષ્યની નીતીઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે. અમેરિકા માટે ભારત મહત્વનો રહેશે કેમ કે ભારત વ્યાપાર માટેનું એક મોટુ માર્કેટ પણ છે. ટ્રમ્પ અને મોદીની વાતચીતમાં ત્રીજો મહત્વનો મુદ્દો વ્યાપાર રહ્યો. ટ્રમ્પે મોદીને કહ્યું હતું કે અમેરિકા ભારત સાથે સંરક્ષણ, સ્થાનિક સુરક્ષા અને વ્યાપારના ક્ષેત્રમાં મળીને કામ કરવા માટેની ઇચ્છા ધરાવે છે.