ગ્રામ્ય વિસ્તારની ૬૦૦૦ શાળાને તાળા મારનાર ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારના બાળકોને કોમ્પ્યુટર શિક્ષણથી વંચિત રાખશે.
અમદાવાદ :
કેન્દ્રની કોંગ્રેસ સરકારે વર્ષ ૨૦૧૧માં રાજ્યની ૧૫૦૦૦ કરતા વધું પ્રાથમિક શાળાઓનાં સામાન્ય વર્ગનાં બાળકોને કમ્પ્યુટર શિક્ષણ મળી રહે તે હેતુથી ધોરણ ૧ થી ૮ ધરાવતી શાળાઓમાં કમ્પ્યુટર લેબ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી પણ ૨૦૨૦માં મોટાભાગની શાળાઓમાં કોમ્પ્યુટર લેબ બંધ છે. ભાજપ સરકારે પાંચ વર્ષથી કોમ્પ્યુટર શિક્ષકની એક પણ ભરતી કરી ન હોવાથી કોમ્પ્યુટર લર્નિંગ ગ્રામ્ય વિસ્તારનાં બાળકો માટે માત્ર જાહેરાત બની રહ્યું છે ત્યારે કરોડો રૂપિયાનાં ખર્ચે ઉભી કરાવેલ કોમ્પ્યુટર લેબને ઇ-વેસ્ટ તરીકે જાહેર કરી દીધા છે ત્યારે સર્વ શિક્ષા અભિયાનનાં કરોડો રૂપિયાની કોમ્પ્યુટર સહિતના સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર અને હવે ઇ- વેસ્ટનાં નામે ગેરરીતિ અંગે દિશાવિહીન શિક્ષણ વિભાગ જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નાં મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫૦૦૦ કરતા વધારે શાળામાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ ૨૦૧૧માં ગુજરાતને કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી જેમાં મોનીટર, ટેલિવિઝનનાં સેટ ખરીદીમાં પણ કૌભાંડની ફરિયાદો મળી હતી અનેક શાળામાં કોમ્પ્યુટર સહિતના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. બીજીબાજુ પાંચ વર્ષથી શાળામાં કોમ્પ્યુટર શિક્ષકની ભરતી ન કરીને ગ્રામ્ય વિસ્તારનાં બાળકોને કોમ્પ્યુટર લર્નીગથી વંચિત રાખવામાં આવ્યા. કોરોનાના મહામારીમાં શાળા સંપૂર્ણ બંધ છે. એવા સમયમાં કોમ્પ્યુટર લેબને તાળા મારવાનો નિર્ણય કર્યો. ઓનલાઈન શિક્ષણ જરૂરી છે. ત્યારે કોરોના કાળમાં ભાજપ શિક્ષણનો હક અધિકાર છીનવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આયોજનનાં અભાવે કરોડો રૂપિયા કોમ્પ્યુટર ધૂળ ખાતા હતા. સરકાર તેના મળતીયા સાથે મળીને બાળકોનાં શિક્ષણનાં અધિકારને છીનવવા જઇ રહી છે. ગ્રામ્યમાં દીકરીઓનાં શિક્ષણ પર પણ ગંભીર અસર પડશે. શિક્ષણ માટે કરોડો રૂપિયાનો દૂરઉપયોગ થયો તેનું આ ઉદાહરણ છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ વર્ષ ૨૦૧૧માં મંજૂર થયેલી કોમ્પ્યુટર લેબનાં કોમ્પ્યુટર સહિતના સાધનો ઇ-વેસ્ટનાં નામે સરકાર વેચવા કાઢ્યા. ઓનલાઈન શિક્ષણ આપવાનો રાજ્ય સરકારનો ઈરાદો નથી. ગ્રામ્ય વિસ્તારનાં બાળકોને શિક્ષણ મેળવવું હાલ મોટો પડકાર છે.રાજ્યની અનેક શાળાઓમાં કોમ્પ્યુટર,પ્રિન્ટર, સ્પીકરનાં બોક્સ પણ નથી ખુલ્યા. કોરોનાની મહામારીમાં ઓનલાઈન શિક્ષણ પર ભાર આપવાની જગ્યા એ રાજ્ય સરકારે કોમ્પ્યુટર લેબ વેચવાની પહેલ કરી તે દર્શાવે છે કે શિક્ષણ વિભાગ દિશાવિહીન છે.
ભાજપ સરકાર તેમના પોણા બે લાખ કરોડથી વધુના બજેટમાં ૩૦ હજાર કરોડથી વધુની રકમ માત્ર શિક્ષણ પાછળ ફાળવણી કરી છે આમ છતાં ખાસ કરીને પ્રાથમિક શિક્ષણનું સ્તર સાવ કથડેલુ છે. આઠમા ધોરણમાં ભણતા વિધાર્થીને પણ પૂરું વાંચતા કે લખતા આવડતું નથી. એક બાજુ સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ લર્નીગ તથા સ્માર્ટ સીટીની વાતો થઈ રહી છે પરંતુ બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતની ૩૦૧૭ સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબની કોઈ સુવિધા જ નથી અને હવે જે શાળામાં કોમ્પ્યુટર લેબ હતી તેને તાળા લાગી જશે.
સમગ્ર ગુજરાતમાં કચ્છની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. કચ્છમાં કોમ્પ્યુટર લેબની સુવિધા ન હોય તેવી ૭૩૯ શાળાઓ છે. આ જ રીતે દેવભૂમિ દ્વારકામાં ૨૯૨ શાળામાં કોમ્પ્યુટર લેબ નથી. દાહોદમાં પણ ૩૨૭ શાળામાં કોમ્પ્યુટર લેબ છે. ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં પણ દયનિય સ્થિતિ જોવા મળે છે. શહેરમાં ૪૩ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી. અમદાવાદ કોર્પોરેશનની ૯૮ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ સુવિધા નથી.સમગ્ર ગુજરાતમાં જોઈએ તો સરકારની ૩૦૧૭ પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા નથી. ભાજપ સરકાર પ્રાથમિક શાળાઓમાં વિધાર્થી ઓની સંખ્યા વધે તે માટે કન્યા કેળવણી તથા ગુણોત્સવ વગેરે જેવા કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયા નો ખર્ચો કરે છે આમ છતાં સરકારી શાળાઓમાં વિધાર્થીઓ વધવાને બદલે ઘટી રહ્યા છે.