ગાંધીનગર

જિલ્લા પંચાયતની કુલ 28 સીટમાંથી 16 મહિલા ઉમેદવાર વિજેતા

ગાંધીનગર :

ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 સીટોનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં સૌથી વધુ મતથી લોદરા બેઠકના ભાજપના ઉમેદવાર 4891 મતથી વિજેતા થયા છે. જ્યારે સૌથી ઓછા મત પણ હાલીસા બેઠકના ભાજપના ઉમેદવાર 119 મતથી વિજેતા થયા છે. જ્યારે કુલ 16 મહિલા ઉમેદવારોએ પ્રતિસ્પર્ધીને પરાસ્ત કરીને વિજેતા થયા છે.

ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28માંથી 19 સીટો સાથે ભાજપ વિજેતા થયું છે. જ્યારે કોંગ્રેસને કુલ 9 સીટો હાંસલ કરી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં વિજેતા થયેલા ઉમેદવારોમાં સૌથી વધુ મત લોદરાની બેઠકના ભાજપના ઉમેદવાર કલ્પેશભાઇ પટેલે કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ રાઠોડને 4891 મતથી પરાજીત કર્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી સૌથી મતથી સોજા બેઠકના ઉમેદવાર અજીતસિંહ રાઠોડે ભાજપના ઉમેદવાર કરણસિંહ વાઘેલાને 4831 મતથી હરાવ્યા છે.

ઉપરાંત સૌથી ઓછા મતથી ભાજપના હાલીસા બેઠકના ઉમેદવાર નાથુભાઇ પટેલે અપક્ષ ઉમેદવાર પ્રતાપસિંહ ઝાલાને 119 મતથી હરાવ્યા છે. જ્યારે કોંગ્રેસના મહુડી બેઠકના ઉમેદવાર આશાબેન રાઠોડે ભાજપના જસવંતસિંહ રાઠોડને 612 મતથી પરાજીત કર્યા છે.

‌વિવિધ બેઠક પર વિજેતા થયેલા મહિલા ઉમેદવારના નામ
બિલોદરા બેઠક ઉપર ભાજપના અમરતબેન રાઠોડ, ચરાડા બેઠક ઉપર ભાજપના લીલાબેન પટેલ, ઇટાદરા બેઠક ઉપરથી ભાજપના શિલ્પાબેન પટેલ, મહુડી બેઠક ઉપરથી કોંગ્રેસના આશાબા રાઠોડ, સમૌ બેઠક ઉપરથી ભાજપના પીનાબેન ચૌધરી, હરખજીના મુવાડા બેઠક ઉપરથી ભાજપના વિનાબેન ચૌહાણ, બહિયલ બેઠક ઉપરથી કોંગ્રેસના સુનિતાબેન સોલંકી, અમરજીના મુવાડા બેઠક ઉપરથી ભાજપના પારસબેન બિહોલા, વલાદ બેઠક ઉપરથી ભાજપના રંજનબેન જાદવ, સરઢવ બેઠકના ભાજપના હંસાબેન પટેલ, ડભોડા બેઠકના ભાજપના મીનાબેન ઠાકોર, ચિલોડા બેઠકના ભાજપના કવિતાબેન ઠાકોર, અડાલજ બેઠકના ભાજપના જયાબેન ઠાકોર, ભોંયણમોટી બેઠકના કોંગ્રેસના રાજીબેન ઠાકોર, પાનસર બેઠકના કોંગ્રેસના મંજુલાબેન પરમાર, સઇજ બેઠકના કોંગ્રેસના રૂપાબેન ઠાકોર વિજેતા થયા છે. આ રીતે આ વખતે જિલ્લા પંચાયતમાં મહિલા ઉમેદવાર વધુ ચૂંટાયા છે.

સૌથી નાની વયના વલાદના , મોટી વયના છાલાના ઉમેદવાર
જિલ્લા પંચાયતના ચુંટાયેલા 28 ઉમેદવારોમાં સૌથી મોટી વયના છાલાના કોંગ્રેસના ઉમેદવાર શનાભાઇ પટેલ છે. જ્યારે સૌથી નાની વયના વલાદના ભાજપના ઉમેદવાર રંજનબેન જાદવ છે.

ભાજપે કોંગ્રેસની 14 બેઠકો ઉપર અસર કરી
જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકોના પરિણામ આવી ગયા છે. જોકે ગત ચુંટણીમાં ભાજપે 6 અને કોંગ્રેસે 24 સીટો હાંસલ કરી હતી. જ્યારે આ વખતે ચુંટણીમાં ભાજપે સઇજ, પલિયડ, લોદરા, ઇટાદરા, બિલોદરા, રખિયાલ, કડજોદરા, હાલીસા, બહિયલ, ડભોડા, સાદરા, ચિલોડા (ડ), સરઢવ, અડાલજ બેઠકો ઉપર વધારે અસર કરી છે. આ બેઠકો ઉપર કોંગ્રેસના કમિટેડ મતબેન્ક ઉપર તરાપ મારી છે.

પરિણામને જોતા ગાંધીનગરની ધારાસભ્યની માણસા અને ઉત્તરની સીટોમાં જીત વધુ સરળ જણાઈ રહી છે
ગાંધીનગર જિલ્લાની વિધાનસભાની 5 સીટોમાંથી હાલમાં 2 સીટો ઉપર ભાજપ અને ત્રણ સીટો ઉપર કોંગ્રેસના હાથમાં છે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચુંટણીના પરિણામને જોતા માણસા, ગાંધીનગર ઉત્તરની ધારાસભ્યની સીટ જીતવી સરળ બની રહેશે. જ્યારે કલોલ ધારાસભ્યની સીટ ભાજપને મળવી કપરી બની રહે તેમ રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમા પણ આ પરિણામની અસર પડી શકે તેવી સંભાવના હાલ જણાઈ રહી છે. આ પરિણામો કોંગ્રેસ માટે ચોકકસ ચિંતાજનક છે.

વિકાસ કમિશનરના આદેશ બાદ પ્રથમ બેઠક મળશે
સ્થાનિક સ્વરાજની ચુંટણીના પરિણામ પ્રસિદ્ધ થઇ ગયા છે. ત્યારે રાજ્ય ચુંટણી પંચ દ્વારા વિજેતા ઉમેદવારોના નામનું જાહેરનામું પ્રસિદ્ધ કરશે. ત્યારબાદ વિકાસ કમિશ્નર ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે પ્રથમ બેઠકની તારીખ જાહેર કરશે.

કુલ બેઠકોના 10 ટકા વિજેતા ઉમેદવારને વિપક્ષ મળી શકે છે
લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કુલ બેઠકના 10 ટકા ઉમેદવારો વિજેતા હોય તો જ વિપક્ષ નેતા તરીકે નક્કી કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપે 19 સીટો સાથે કબજો જમાવ્યો છે. ત્યારે હવે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઇને અટકળો શરૂ થઇ છે. જોકે આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખની સીટ ઓપન હોવાથી કોણ પ્રમુખ બનશે તે સવાલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x