કોરોના કહેર વચ્ચે મોદી સ્ટેડિયમમાં આજથી T-20 મેચ, 70 હજાર ટિકિટ વેચાઈ
અમદાવાદ :
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારથી પાંચ મેચની ટી-20 સિરીઝની પહેલી મેચ શરૂ થઇ રહી છે. ટેસ્ટ સિરીઝ 3-1થી જીત્યા બાદ ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં છે. એક બાજુ, કોરોનાનો કહેર છે ને બીજી બાજુ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મેચ માટે 70 હજાર ટિકિટ અત્યાર સુધીમાં વેચાઈ ચૂકી છે. દરમિયાનમાં ગુરુવારે ગુજરાતમાં કોરોનાના નવા દર્દીઓનો આંક 700ની સપાટી વટાવી 710 પર પહોંચ્યો હતો. સુરતમાં નવા કેસનો આંકડો 200ની સપાટી વટાવી ગયો છે. જોકે આશ્વાસનની વાત એ છે કે ગુરુવારે એકપણ દર્દીનું મૃત્યુ થયું નહોતું. ગુરુવારે 451 દર્દી સાજા થયા હતા. આ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 2,67,701 થવા પામી છે. દરમિયાન રાજ્યમાં 17,24,805 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે, જ્યારે 4,25,371 લોકોને બીજો ડોઝ અપાયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.03 ટકા થઈ ગયો છે.
• કોહલી જો આ મેચમાં 72 રન બનાવશે તો તે ટી-20 આં.રા. ક્રિકેટમાં 3000 રન પૂરા કરશે. આવી સિદ્ધિ મેળવનાર પહેલો ખેલાડી બનશે.
• રોહિત આ મેચમાં 5 ચોગ્ગા ફટકારશે તો તે ટી-20 ક્રિકેટમાં 250 ચોગ્ગા લગાવનાર બીજો ભારતીય ક્રિકેટ બનશે. પહેલા ક્રમે વિરાટ છે.
• આ મેચમાં શિખર ધવન એક છગ્ગો લગાવતાંની સાથે તે ટી20 કારકિર્દીમાં 50 છગ્ગા પૂરા કરનાર 7મો ભારતીય ક્રિકેટ બનશે. આ પહેલાં ટી-20 ક્રિકેટમાં ભારત માટે યુવરાજ, ધોની, કોહલી, રોહિત, રૈના અને લોકેશ રાહુલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
• યુજવેન્દ્ર ચહલ આ મેચમાં 1 વિકેટ લેશે તો તે જસપ્રીત બુમરાહની 59 વિકેટને પાછળ છોડીને ભારત માટે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનશે.