ગુજરાત

રાજ્યના 50 ટકા ગામો સુધી નર્મદાનું પાણી પહોંચી પણ હજુ 394 ગામોમાં હેન્ડ પંપથી પાણી મળે છે

ગુજરાતમાં નલ સે જલ યોજના 2022 શરૂ કરવામાં આવી છે. ત્યારે હાલ રાજ્યના 17843 ગામો પૈકી નર્મદા યોજનાથી જોડાયેલા ગામોની સંખ્યા વધીને 9360 થઇ છે. એટલે કે 50 ટકા ગામોને નર્મદાનું પાણી પીવા માટે મળી રહ્યું છે, જ્યારે આજે પણ રાજ્યના 797 ગામો કૂવાના પાણી પી રહ્યાં છે.

હેન્ડપમ્પથી પાણી પીતા ગામોની સંખ્યા 394
રાજ્યના પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના આદિવાસી વિસ્તારમાં હેન્ડપમ્પથી પાણી પીતા ગામોની સંખ્યા 394 છે, નર્મદા સિવાયના જળસ્ત્રોતની જૂથ યોજના હેઠળ રાજ્યમાં 4039 ગામડાને પાણી મળે છે. મીની પાઇપલાઇન યોજના મારફતે કુલ 562 ગામડા પાણી મેળવી રહ્યાં છે.

પાઇપલાઇનથી પાણી મેળવતા ગામડાની સંખ્યા 2691
રાજ્યમાં વ્યક્તિગત યોજના હેઠળ પાઇપલાઇનથી પાણી મેળવતા ગામડાની સંખ્યા 2691 છે. જૂથ યોજના હેઠળ કુલ 13399 ગામડાઓને પાણી મળી રહ્યું છે. પીવાના પાણીની સમસ્યા સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળતી હોય છે પરંતુ સારો વરસાદ થાય તો સૌરાષ્ટ્રમાં ચેકડેમથી પાણી જમીનમાં ઉતરે છે, જ્યારે નર્મદા યોજનાની પાઇપલાઇનથી મોટાભાગના ગામડાને પાણી આપવામાં આવે છે.

ઝુંપડપટ્ટી વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે
તેમણે ઉમેર્યું હતું કે આ યોજના હેઠળ રાજ્યના ઝુંપડપટ્ટી વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે. સૌરાષ્ટ્ર પંથકમાં ક્ષારયુક્ત પાણીને કારણે પથરી, ઉત્તર ગુજરાત વિસ્તારમાં ક્લોરાઈડયુક્ત પાણીને કારણે હાથીપગો કે દાંત પીળા પડી જવા સહિતના રોગોનો સતત સામનો કરવો પડ્યો છે. સમગ્ર રાજ્યને 100 ટકા ફિલ્ટર્ડ પાણી મળી રહે તે દિશામાં અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત ‘નલ સે જલ’ યોજનાની ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.

વર્ષ-2022ના અંત સુધીમાં કામગીરી પૂર્ણ
CMએ વધુમાં ઉમેર્યુ કે, રાજ્યના પાંચ જિલ્લાઓમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પોરબંદર, આણંદ, ગાંધીનગર, બોટાદ અને મહેસાણા મળીને પાંચ જિલ્લાઓમાં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીના વિસ્તારોમાં ખૂબ જ ઝડપી એટલે કે વર્ષ-2022ના અંત સુધીમાં આ યોજના હેઠળ કામગીરી પૂર્ણ કરી દેવાશે તેવો અમારો મક્કમ નિર્ધાર છે.

દર મહિને એક લાખ નળ કનેક્શન આપવાનો લક્ષ્યાંક
PM નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં શુદ્ધ પાણી મળી રહે અને ઘરે ઘરે નળમાંથી પાણી પ્રાપ્ત થાય તેવા સંકલ્પ સાથે ‘નલ સે જલ’ યોજના શરૂ કરી છે. આ યોજનાને વર્ષ 2022 સુધીમાં જ ગુજરાત રાજ્યમાં પૂર્ણ કરી દેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે તેમ જણાવી CMએ ઉમેર્યું કે, હાલના તબક્કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 17 લાખ જેટલાં નળ કનેક્શન બાકી રહ્યા છે તે માટે ઝુંબેશ સ્વરૂપે દર મહિને એક લાખ નળ કનેક્શન આપવાના લક્ષ્યાંક સાથે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે એટલે 17 મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં ‘નલ સે જલ’ હશે.

વર્ષ 2020માં 2067 નળ કનેક્શન આપવામાં આવ્યા
ગૃહમાં પૂછાયેલા જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત અપાયેલા કનેક્શન સંદર્ભે જવાબ આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2019માં 94 અને વર્ષ 2020માં 2067 નળ કનેક્શન આપવામાં આવ્યા. તે અંતર્ગત કુલ રૂપિયા 1521.55 લાખ ખર્ચ કરવામાં આવ્યો. જ્યારે ભાવનગર જિલ્લામાં વર્ષ 2019માં 4894 અને વર્ષ 2020માં 20364 નળ કનેક્શન અપાયા. તેની પાછળ કુલ રૂપિયા 5730.35 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x