ગુજરાત

અરબી સમુદ્રમાં પાંચ દિવસમાં વાવાઝોડુ સર્જાશે,ચોમાસુ નજીક

રાજકોટ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગામી જૂનથી શરુ થનાર ચોમાસુ  સારુ રહેવાની આગાહી થઈ છે અને દેશી પધ્ધતિ મૂજબ વરતારો  પણ આવો જ નીકળ્યો છે ત્યારે હવે મેઘરાજાએ જાણે કે ચોમાસા પૂર્વેની તૈયારીઓ શરુ કરી દીધી છે. સીઝનમાં પ્રથમ વાવાઝોડુ અરબી સમુદ્રમાં રચાઈ રહ્યું છે અને તેના પગલે ચોમાસાનું હવામાન  બંધાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે તા.૧૪શુક્રવારે સવાર સુધીમાં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેસર તા.૧૬ મે રવિવાર સુધીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જેની અસર  લક્ષદ્વિપ, કેરલ, તમિલનાડુ, કર્ણાટક વગેરેને ઉપરાંત દેશના અન્ય ભાગોને પણ થઈ શકે છે. હવામાન વિભાગે તા.૧૩ના અમરેલી, ભાવનગર, કચ્છ, દાહોદ, તાપી વગેરે વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

આવી આગાહી વગર છૂટાછવાયા સ્થળે હળવા ભારે વરસાદી ઝાપટાં વરસવાનું જારી રહ્યું છે. આજે રાજકોટથી વીસેક કિ.મી. દૂર ગોંડલ હાઈવે પર શાપર વેરાવળ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જેનાથી ગરમીમાં રાહત મળી હતી પરંતુ, ખેડૂતોના ખુલ્લા ખેતરમાં પડેલા મગ, તલ, મકાઈ સહિતના પાકને નુક્શાન ગયું હતું. કોટડાસાંગાણીની બજારોમાં પાણી ભરાયા હતા.

તો બીજી તરફ ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાન ૪૧ સે.ને પાર થયું હતું જ્યારે અમરેલી, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગરમાં ૪૦ સે.થી વધુ અને અન્યત્ર ૪૦ સે.થી ઓછુ તાપમાન રહ્યું હતું પરંતુ, ભેજનું પ્રમાણ વધતા મહેનત વગર જ પરસેવે રેબઝેબ થઈ જવાય એવો અસહ્ય ઉકળાટ અનુભવાયો છે. ગુજરાતમાં તા.૧૩ સિવાય હાલ પાંચ દિવસ સુધી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x