અમદાવાદીઓની બેકરદારીથી કોરોનાની ત્રીજી લહેરની આશંકા!
બીજી લહેરની અસર ઓછી થતાં સરકાર દ્વારા કેટલીક પાબંધીઓમાંથી મુક્તિ આપવામાં આવી છે. અગાઉ જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય અન્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે 3 વાગ્યા સુધી તમામ બજારો ખુલ્લાં રાખવા છૂટ આપી છે, પરંતુ 3 વાગ્યા બાદ પણ હવે લોકો દુકાન અને લારીગલ્લા ચાલુ રાખી વેપાર કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત હોટલ-રેસ્ટોરાં અને નાસ્તા માટે ટેક-અવે રાખવામાં આવ્યું છે, એની જગ્યા હવે દુકાન કે રેસ્ટોરાંની બહાર જ જમવાનું અને નાસ્તો કરવાનું લોકોએ શરૂ કરી દીધું છે.
રવિવારે સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં દુકાનો જાણે સામાન્ય દિવસમાં ચાલુ હોય તેમ જોવા મળી હતી. 3 વાગ્યા બાદ જીવન જરૂરિયાતની વસ્તુઓ અને રેસ્ટોરાંમાં ટેક-અવે સિવાય અન્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં કેટલાક વિસ્તારોમાં ખુલ્લેઆમ દુકાનો ચાલુ જોવા મળી હતી અને ટેક-અવેની જગ્યાએ લોકો દુકાનની બહાર જ ટોળાં કરીને જ્યૂસ, ચા કોફી, નાસ્તો અને જમવાની મહેફિલ માણી રહ્યા હતા અને તમામ વચ્ચે પોલીસ અને કોર્પોરેશનની ગેરહાજરી જોવા મળી હતી.
કોરોનાના કેસ ઓછા થતાં સરકાર તરફથી આંશિક રાહત આપવામાં આવી છે, ત્યારે લોકો હવે એનો ગેરફાયદો ઉઠાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. 3 વાગે કેટલીક દુકાનો બંધ કરવાનો આદેશ હોવા છતાં શાહીબાગમાં આવેલી મસ્તી જ્યૂસ અને મારુતિ કોફી શોપ આગળ મોડી સાંજે પણ લોકોનાં ટોળાં જોવા મળ્યાં હતાં. લોકો દુકાનની બહાર જ કોફી અને જ્યૂસ પી રહ્યા હતા. દિલ્હી દરવાજા પાસે આવેલી ફરકીની બહાર પણ આવાં જ દૃશ્યો જોવા મળ્યાં હતાં, જેમાં દુકાનમાંથી પાર્સલ કરાવીને દુકાનની બહાર જ લોકો લસ્સી અને જ્યૂસ પિતા જોવા મળ્યા હતા. બાપુનગરમાં સર્વોદય સ્કૂલની બહાર જાહેરમાં જ લારી પર પણ લોકો પાણીપૂરી ખાતા જોવા મળ્યા હતા. ગોમતીપુરમાં આવેલી નોન- વેજની દુકાન પર પણ લોકોનાં ટોળાં જોવા મળ્યાં હતાં. રખિયાલમાં નાસ્તાની દુકાનની બહાર લોકો નાસ્તો કરતા નજરે પડ્યા હતા. ઉપરાંત રખિયાલમાં અન્ય દુકાનો અને લારી ચાલુ જોવા મળી હતી.
નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ અને કોર્પોરેશનની જવાબદારી હોવા છતાં તમામ જગ્યાઓ પર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ગેરહાજરી જોવા મળી હતી અને દુકાનદારોને જાણે છૂટ આપી દેવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. લોકો ફરીથી ભાન ભૂલીને નિયમોનો ભંગ કરી રહ્યા છે. લોકો આ જ રીતે નિયમો નેવે મૂકશે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો ત્રીજી લહેરને આમંત્રણ આપવા જેવું થશે.