જાણો ૨૪ સપ્ટેમ્બરનું મહત્વ, શું હતું ખાસ આ દિવસે
મેડમ કામા નો જન્મ ૨૪ સપ્ટેમ્બર ૧૮૬૧ ના રોજ મુંબઈના એક શ્રીમંત પારસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ સોરાબજી ક્રામજી પટેલ અને માતાનું નામ જીજીબાઈ હતું. સોરાબજી મુંબઈના જાણીતા વેપારી હતા. ભીખાઈજી કામા એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શાળાના અભ્યાસ દરમિયાન ભીખાઈજી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે વર્ગમાં પ્રથમ આવતા હતા. નાની ઉમરથી જ દેશપ્રેમના બીજ તેના માનમાં રોપાઈ ચૂક્યા હતા.બ્રિટીશ જુલમશાહીનો પહેલેથી જ વિરોધ કરી પોતાના દીન દુ:ખીયા ભાઈ બહેનોની સેવા કરવાનું તેને મનોમન નક્કી કરી દીધું હતું. સમાજસેવાની સેવા તેને પોતાના શાળા કોલેજના વર્ષો દરમિયાન જ શરૂ કરી દીધું હતું.ઈ.સ. ૧૮૯૭માં મુંબઈમાં પ્લેગની મહામારીનો રોગ ફેલાઈ ચૂક્યો હતો ત્યારે પોતાના જાનના જોખમે પણ લોકોની સેવામાં તેઓ લાગી ગયા હતા. પ્લેગના ચેપી રોગમાં માદામ ભીખાઈજી પણ સપડાઈ ગયા હતા પરંતુ ભવિષ્યમાં બ્રિટીશરો સામે ટક્કર લેનાર આ વીરાંગના પ્લેગના રોગનો હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો.સમાજસેવાને મનોમન વારી ચૂકેલા માદામ ભીખાઈજી લગ્ન કરવાના વિરુદ્ધમાં હતા. પરંતુ પિતાના આગ્રહને વશ થઈને મોતી કે.આર.કામા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ પણ તેમણે મન સમાજસેવા અને દેશપ્રેમ સર્વોપરી હતા. એટલે તેમનું લગ્નજીવન લાંબુ સમય તાકી શક્યું નહિ.
વારંવાર પતિ સાથે થતાં વિખવાદથી તેઓ બંને અલગ થઇ ગયા હતા. આ રીતે પતિથી છૂટા પડ્યા બાદ પણ પોતાની તમામ શક્તિઓ અને પોતાનું સર્વસ્ય દેશની સમર્પિત કરી દીધું હતું.તેમણે ઈ.સ. ૧૯૦૫માં વંદે માતરમ નામનું ક્રાંતિકારી અખબાર જીનીવાથી શરૂ કર્યું હતું. અને તેમાં તેમણે અંગ્રેજોની દમનનીતિનો ચિતાર રજૂ કર્યો. તેમની તબિયત બગડતાં મોટી બીમારીની શસ્ત્રક્રિયા કરાવવા માટે તેમને ઇંગ્લેન્ડ જવું પડ્યું ત્યાં તેમનો પરિચય શ્યામજી કૃષ્ણવર્મા સાથે થયો. તે સમયે સર દોરાબજી તાતા અને વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય જેવા અન્ય ક્રાંતિકારીઓ અભિનય ભારત ના નામે એક મંડળી ચલાવતા હતા તેની સાથે માદામ ભીખાઈજી કામા સાથે જોડાઈ ગયા.વિદેશમાં તેમના વધતા જતા પ્રભાવથી ભયભીત થઈને બ્રિટિશરોએ તેમને ફ્રાંસમાંથી ભારત હાંકી કાઢવાની માંગણી કરી હતી. પરંતુ ફ્રેંચ સરકારે તેમને પોતાની માતૃભૂમિમાં પાછા મોકલવાની અને તેમની સંપત્તિને જપ્ત કરવાની બ્રિટિશરોની માંગણીને નકારી કાઢી હતી. મેડમ કામાને પરાસ્ત કરવાના બ્રિટિશરોના અથાક પ્રયત્નો બાદ પણ મેડમ કામાએ ભારતની સ્વતંત્રતા માટે તેમની લડત ચાલુ રાખી હતી.ઈ.સ. ૧૯૦૭માં વિદેશ ભૂમિ (જર્મની) ઉપર યોજાયેલા આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં બધા દેશો દ્વારા પોતપોતાના રાષ્ટ્રીયધ્વજ લહેરાવ્યો હતો. તેની સાથે આ બાનુએ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો.
આ ધ્વજમાં સૂર્ય ચંદ્ર અને સપ્તર્ષિના સાત તારાઓનું પ્રતીક હતું તેમજ ધ્વજની વચ્ચે દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ’ લખ્યું હતું.તેમણે વિદેશની ધરતી પર ભારતીય ધ્વજ ફરકાવતા નિડરતાથી ઘોષણા કરતા કહ્યું હતુ કે, ‘આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે. હું તમામ સભાસદોને આહવાહન કરૂ છું કે ઉઠો… હું દુનિયાભરના તમામ સ્વતંત્રતાના ચાહકોને આ ધ્વજ સાથે સહભાગી થવાની અપિલ કરૂ છું. વંદે માતરમ્….વંદે માતરમ્…’મેડમ ભિખાજીમાં દેશભક્તિ અને શૂરવીરતાનો અનોખો સંગમ હતો. એમણે યુરોપ અને અમેરિકામાં ભારતની આઝાદીનો નાદ જગાડ્યો હતો. તેમના હાથે ક્રાંતિકારીઓની સંસ્થા ‘અભિનવ ભારત’નો શુભારંભ કરાવાયો હતો. ઈ.સ. ૧૯૩૫માં ૭૪ વર્ષે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે તેમના બેગ બીસ્તરામાંથી વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજો તથા આઝાદીની લડતને લગતી અન્ય સાહિત્ય પ્રાપ્ત થઇ અંગ્રેજી દ્વારા તે બધું જ સળગાવી દેવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૩૬માં ૧૩મી ઑગસ્ટના રોજ મુંબઈની એક પારસી હૉસ્પિટલમાં તેમનું અવસાન થયુ હતું.