ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રાજયના અંદાજે છ લાખ બાવીસ હજાર ઉપરાંત વીજ ગ્રાહકો પાસેથી બાકી નીકળતી રૂા.૬૨૫ કરોડની રકમ ભરપાઇ કરવામાંથી મુકિત : ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ

ગાંધીનગર :
 રાજયના અંદાજે છ લાખ બાવીસ હજાર ઉપરાંત વીજ ગ્રાહકો પાસેથી બાકી નીકળતી રૂા.૬૨૫ કરોડની રકમ ભરપાઇ કરવામાંથી મુકિત
 ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજજોડાણોવાળા ગ્રાહકોને માત્ર રૂા. ૫૦૦ ભરપાઇ થયે વીજબીલની બાકી નીકળતી મૂળ રકમ અને વ્‍યાજ ભરવામાંથી સંપૂર્ણ મુકિત
 વીજ બીલ ભરપાઇ ન થવાના કારણે કાયમી ધોરણે કપાયેલા હોય તેવા તેમજ હાલના ચાલુ વીજ જોડાણોમાં એક યા બીજા કારણોસર પુરવણી બીલો આપવામાં આવેલા હોય તેવા તમામ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળી શકશે
 બંધ વીજ જોડાણો ફરી ચાલુ કરી અપાશે
મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના પ્રેરક અને ગતિશીલ નેતૃત્‍વમાં રાજય સરકારે ઘર વપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણ ધરાવતા નાગરિકોની લ્‍હેણી નીકળતી રકમ માટે રાજય સરકારે રૂા. ૬૨૫ કરોડથી વધુ રકમની અભૂતપૂર્વ અને ઐતિહાસિક માફી યોજના જાહેર કરી છે. રાજ્યના ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આ સંદર્ભે જણાવ્‍યું છે કે, રાજ્યના અંદાજે સાડા છ લાખ વીજ ગ્રાહકોને ’’ એક વખતની સંપૂર્ણ માફી યોજના’’ નો લાભ મળશે.

ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે, રાજય સરકારે વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇ, રાજ્યના ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણોની ભરપાઇ કરવાની બાકી નીકળતી રકમ ભરપાઇ કરવામાં રાહત આપતી માફી યોજનાની જાહેરાત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધેલ છે. તદઅનુસાર ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણો વાળા વીજ ગ્રાહકો તેમજ હાલના ચાલુ વીજ જોડાણોમાં એક યા બીજા કારણોસર પુરવણી બીલો આપવામાં આવેલા હોય તેવા તમામ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળી શકશે. માત્ર રૂા. ૫૦૦/- જેવી તદન નજીવી રકમ ભરપાઇ કરી, વીજ બીલની રકમ તેમજ તેના વ્‍યાજની રકમ ભરપાઇ કરવામાંથી મુકિત મેળવી, નવીન વીજળી જોડાણ મેળવી શકશે. રાજ્યના અંદાજે ૬.૨૨ લાખથી વધુ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે અને લગભગ રૂા. ૬૨૫ કરોડથી વધુ રકમની માફી રાજય સરકાર આપશે.

ઉર્જા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ આ યોજનાની વધુ વિગતો આપતા જણાવ્‍યું હતું કે, રાજ્યની ઉત્‍તર, મધ્‍ય, દક્ષિણ અને પશ્‍ચિમ ગુજરાત વીજ કંપનીના ગ્રામ્‍ય વિસ્‍તારના ઘર વપરાશના બી.પી.એલ. તેમજ નોન બી.પી.એલ. ઉપરાંત ખેતીવાડી અને કોમર્શીયલ વીજ જોડાણો ધરાવતા કુલ ૬.૨૨ લાખથી વધુ ગ્રાહકોને રાજય સરકારની આ એક વખતની સંપૂર્ણ માફી યોજના અંતર્ગત માત્ર રૂા. ૫૦૦ ભરવાથી તેમના મૂળ બીલની તથા વ્‍યાજની તમામ રકમ સંપૂર્ણાપણે માફ કરવામાં આવશે.
ઉર્જા મંત્રીશ્રીએ જણાવ્‍યું હતુ કે, આ માફી યોજનામાં લાભ લેનારા વીજ ગ્રાહકોમાં જે વીજ ગ્રાહકોએ કરારિત વીજભાર કરતાં વધુ વીજભાર જોડેલ હોય કે જેમની સામે જુદા જુદા કારણોસર વીજ ચોરીના કેસ કરવામાં આવેલ હોય તેમજ જે ગ્રાહકો આર્થિક પરિસ્‍થિતિના કારણે કે અન્‍ય કોઇપણ કારણસર વીજ બીલના નાણાં ભરપાઇ કરેલા ન હોય તેવા કલમ ૧૨૬ અને ૧૩૫ હેઠળના ગ્રાહકોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગ્રાહકોમાંથી ઘણાં વીજ ગ્રાહકોના વીજ જોડાણો કાયમી ધોરણે બંધ થઇ ગયા છે. આવા તમામ ગ્રાહકોને ફરીથી વીજ જોડાણ મળી શકશે. એટલું જ નહી, જેમના વીજ જોડાણો કપાઇ ગયેલા છે તેવા તમામ ગ્રાહકો માટે પણ આ યોજનાનો લાભ ઉપલબ્‍ધ થશે. ઉર્જા મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, કાયમી ધોરણે બંધ થયેલા વીજ જોડાણોને ફરીથી ચાલુ કરી આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ યોજનાને પરિણામે પ્રજાજનોને પોતાના નામે વીજ જોડાણો મળશે. ખેડૂતોને તેમનું વીજ જોડાણ પુનઃ સ્‍થાપિત થવાથી ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે સર્જાયેલ અછતના સમયમાં વીજળી પ્રાપ્‍ત થતાં સિંચાઇ સુવિધા મળવાથી ખેત ઉત્‍પાદનમાં વધારો થશે અને તેમની આવક વધતા તેમનું જીવન ધોરણ સુધરશે. વીજ જોડાણો ચાલુ થતાં ગરીબ અને મધ્‍યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળશે અને તેમનું જીવન સુવિધાપૂર્ણ બનશે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગૃહ ઉદ્યોગો ધમધમતા થશે. વિદ્યતુ પુરવઠો પુનઃ સ્‍થાપિત થવાના કારણે ગરીબ અને મધ્‍યમ વર્ગના પરિવારોના સંતાનો અભ્‍યાસમાં વધુ ધ્‍યાન આપી શકશે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, ’’એક વખતની સંપૂર્ણ માફી યોજના’’ નો લાભ તા. ૧૮/૧૨/૨૦૧૮ સુધીના નિર્દિષ્‍ટ તમામ પ્રકારના વીજ ગ્રાહકોને આપવામાં આવશે અને આ યોજનાનો અમલ તા. ૧૯/૧૨/૨૦૧૮ થી તા. ૨૮/૨/૨૦૧૯ સુધી એટલે કે બે માસ સુધી ચાલુ રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x