ભાજપ હાથમાંથી સરી જતી પટેલ વોટ બેન્ક ફરીથી જોડવા ખુદ વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા.
અમદાવાદ :
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માંડ માંડ જીત્યા પછી ગુજરાતમાં ભાજપ હાથમાંથી સરી જતી પટેલ વોટ બેન્ક ફરીથી જોડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે. આના માટે ખુદ વડાપ્રધાન મોદી પ્રયત્નમાં લાગ્યા છે. તેથી જ ગુજરાતમાં પાટીદારોના આસ્થાના કેન્દ્રસમા કાર્યક્રમોમાં હાજરી આપવા તેઓ ગુજરાતના પ્રવાસે છે.
ગુજરાતની રાજનીતિમાં 80ના દાયકાના પૂર્વાર્ધથી પટેલ મતદાતા નિર્ણાયક સાબિત થઇ રહ્યા છે. ગુજરાતમાં 70ના દાયકા સુધી પટેલ મતદાતા કોંગ્રેસની વોટ બેન્ક બનેલા હતા. પરંતુ સમૃદ્ધ થયા બાદ ખાદ્યતેલો, સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ અને ખેતીમાં દબદબો વધારી રહેલા પટેલો 70ના દાયકાના ઉતરાર્ધમાં ધીરે ધીરે કોંગ્રેસથી વિમુખ થવા માંડ્યા.
નવનિર્માણ આંદોલન અને ત્યારબાદ 80ના દાયકામા ગુજરાતમાં થયેલા બે અનામત આંદોલન પછી પાટીદારોનો ઝોક કોંગ્રેસ તરફથી હટીને ભાજપ તરફી વળી ગયો. તેના કારણે ગુજરાતમાં 90ના દાયકાથથી ગુજરાતમાં ભાજપ પોતાનો પરચમ ફેલાવી રહી છે. પરંતુ 2015માં પટેલ અનામત આંદોલન પછી ગુજરાતમાંથી પટેલ મતદાતાઓ ધીમે ધીમે ભાજપથી વિમુખ થવા લાગ્યા છે. આના કારણે ગુજરાતમાં 2017ની ચૂંટણી જીતતા ભાજપને આંખે પાણી આવી ગયા હતાં.
ગુજરાતમાં કડવા ઉમિયા માતામાં આસ્થા ધરાવે છે અને લેઉવા ખોડલધામમાં આસ્થા ધરાવે છે. સૌરાષ્ટ્રમાં ખોડલનું આસ્થાનું ધામ ખોડલધામ છે તો કડવા પાટીદારોનું ઉંઝા ઉમિયાધામ છે. આથી નારાજ પટેલ સમુદાયને પોતાની સાથે લેવા ભાજપ સાથે સંકળાયેલા નેતાઓએ અમદાવાદમાં બંનેના લેઉઆના આસ્થાના પ્રતિક એવા અન્નપૂર્ણા અને કડવાના ઉમિયાધામના નિર્માણનો નિર્ણય કર્યો. આ માત્ર મંદીર જ નહીં હોય પણ બોયઝ, ગર્લ્સ, વર્કિંગ વૂમનની હોસ્ટેલ, મફત શિક્ષણ સ્વાવલંબનની અનેક યોજનાઓ ચાલશે. આનું ભૂમિપૂજન મોદીએ કર્યું. જોકે ભાજપના નેતા આને ધાર્મિક સ્થળ અને વિકાસનું નામ આપી પાટીદારોને રિઝવવાની કોશિશ કરી રહ્યા છે.
ગુજરાતમાં પટેલ મતદાતા 18 ટકા છે અને વિધાનસભાની 58થી વધુ અને લોકસભાની 12 સીટો પર પ્રભાવી છે. એવામાં લોકસભાની ચૂંટણીમાં તેમને રીઝવવા જરૂરી છે. આથી રણનીતિના ભાગરૂપે વિધાનસભાની ચૂંટણીમાં જે નુકસાન થયું તે લોકસભામાં ન થાય તેના માટે આ પ્રયાસો જરૂરી છે. આ સમારોહના બહાને નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસ દરમિયાન પાટીદાર સમુદાયના નેતાઓને મળી તમામને સાથે રાખવાની કોશિશ કરી રહ્યા છે. જેથી કરીને વિધાનસભાના ગાબડાની ભરપાઇ થઇ શકે. મોદીના કાર્યક્રમનું રાજકીય વિશ્લેષણ જોતાં પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં જ તેમના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સાથે જ ભાજપે ગુજરાતમાં ફરીવાર 26 બેઠકો અંકે કરવી હોય તો પાટીદારોના મનામણાં કરવા જરૂરી છે.