જો પાર્ટી કહેશે તો હું જરૂરથી ચૂંટણી લડીશ : પ્રિયંકા ગાંધી
અમેઠી:
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અમેઠી પહોંચ્યા હતા. જ્યાં તેઓ મોટી સંખ્યામાં બૂથ અધ્યક્ષો સાથે વાત કરી હતી. પ્રિયંકાએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર કટાક્ષ કરતા કહ્યું કે કેટલાંક લોકો માત્ર ચૂંટણી માટે અમેઠી આવે છે અને 4 કલાકમાં જતા રહે છે. અમેઠી અમારું ઘર અને પરિવાર છે. પ્રિયંકા ગાંધીએ કાર્યકર્તાઓને કહ્યું કે આ વખતે સમગ્ર દેશમાં પ્રચાર માટે જવાનું છે, તેથી અમેઠીમાં વધુ સમય ન આપી શકે.
28 માર્ચે પ્રિયંકા રાયબરેલી જશે અને 29 માર્ચે સવારે તેઓ અયોધ્યા માટે રવાના થશે. પ્રિયંકા ગાંધી 29 માર્ચે અયોધ્યામાં બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન તેમનો રોડ શો પણ થશે. અહીં તેઓ બે જગ્યાએ તેઓ સભા પણ સંબોધશે. પ્રિયંકા ગાંધી અયોધ્યામાં હનુમાનગઢીમાં પૂજા-અર્ચના પણ કરશે. આ દરમિયાન તેમનો સંતોને મળવાનો કાર્યક્રમ પણ છે. સાંજે 7 વાગે પ્રિયંકાનો અયોધ્યાથી લખનઉ જવાનો કાર્યક્રમ છે. રાત્રે 9.50 વાગે તેઓ દિલ્હી માટે રવાના થશે.
પાર્ટી કહેશે તો ચૂંટણી લડીશ- પ્રિયંકા ગાંધી:
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ચૂંટણી લડવા અંગે મોટું નિવેદન આપતાં કહ્યું કે જો પાર્ટી કહેશે તો તે જરૂરથી ચૂંટણી લડશે. જો કે તેઓએ કહ્યું કે મેં હાલ આ મામલે મેં કંઈ નક્કી નથી કર્યું પરંતુ પાર્ટી કહેશે તો જરૂરથી ચૂંટણી લડીશ. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં પ્રિયંકાએ કહ્યું કે આ લોકસભા ચૂંટણી દેશને બચાવવાની ચૂંટણી છે. આ દરમિયાન તેઓએ વડાપ્રધાન મોદી પર જોરદાર પ્રહાર કર્યાં. તેઓએ કહ્યું કે જે લોકો બ્લફ કરે છે તેઓ આરોપ લગાવે છે.
ભાઈ જ બનશે PM- પ્રિયંકા
રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં કાર્યકર્તાઓને પ્રિયંકા વાડ્રાએ કહ્યું કે આ વખતે આપણાં ભાઈ (રાહુલ ગાંધી) અમેઠીથી ઐતિહાસિક જીત નોંધાવી PM બનશે. આ વખતે અમે સમય ઓછો આપી શકીશું, તમે લોકો ચૂંટણી લડશો. આ વખતે પૂર્વાંચલ પર ધ્યાન રહેશે અને 2022ની ચૂંટણીમાં પણ સક્રિય રહીશ.
ગંગાયાત્રા પછી હવે રામનગરીમાં પ્રિયંકા: પ્રિયંકા ગાંધી વાડ્રાએ 18 માર્ચના રોજ પ્રયાગરાજના મનૈયા ઘાટથી ગંગા યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન પ્રિયંકાએ સોફ્ટ હિન્દુત્વ દ્વારા ભાજપને ટાર્ગેટ કરવા માટે હનુમાનજીની પૂડા અર્ચના પણ કરી અને અક્ષયવટના દર્શન પણ કર્યા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ બોટ યાત્રા કરી હતી. હવે પ્રિયંકા રામનગરી અયોધ્યાની મુલાકાત કરશે. તેઓ હનુમાન ગઢીમાં પુજા અર્ચના પણ કરવાના છે. કોંગ્રેસ શાસન કાળમાં જ અયોધ્યામાં રામ મંદિરનું તાળુ ખોલવામાં આવ્યું હતું, બાબરી વિધ્વંસ પણ કોંગ્રેસના શાસન કાળમાં જ થયો હતો. 2016માં રાહુલ ગાંધીએ અયોધ્યાની મુલાકાત કરી હતી. હવે પ્રિયંકા સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ રમીને વોટ બેન્ક ઉભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.