સૂર્ય નમસ્કાર: ગુજરાતે વર્ષ 2024ના પ્રથમ દિવસે જ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
ગુજરાતે વર્ષ 2024ના પ્રથમ દિવસે જ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. ગુજરાતમાં એક સાથે 108 સ્થળોએ કુલ 50 હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા 2024ના વર્ષનો ભારતનો પ્રથમ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રાચીન સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સામુહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.રમત ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને નગર મહાનગર કક્ષાએ એક માસ સુધી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓના વિજેતા સાધકો દ્વારા મોઢેરા ખાતે સામૂહિક આયોજીત રાજ્યકક્ષાના સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર રાશિ અર્પણ કરીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાની સ્પર્ધાના વિજેતા ત્રણ પુરૂષ અને ત્રણ સ્ત્રી સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પુરૂષ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે સાબરકાંઠાના કલ્પેશભાઇ સવજીભાઇ, બીજા ક્રમે ગીર સોમનાથના અનિલકુમાર બાંભણીયા અને ત્રીજા ક્રમે છોટાઉદેપુરના રાઠવા કરશનભાઇને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાની સ્પર્ધાના સ્ત્રી ઉમેદવારોમાં પ્રથમ ક્રમે બનાસકાંઠાના પટેલ યાના વિનોદકુમાર, બીજા ક્રમે રાજકોટના વખારીયા દષ્ટી ચેતનકુમાર અને ત્રીજા ક્રમે મહેસાણાના પટેલ પૂજા ઘનશ્યામભાઇને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યક્ષાના વિજેતાઓને અનુંક્રમે 2.50 લાખ, 1.75 લાખ અને 1 લાખનું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.