ટ્રક ચાલકોની હડતાળને લઇ પેટ્રોલ-ડીઝલની અછતની વાત વચ્ચે પેટ્રોલ-ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા
ટ્રક ચાલકોની હડતાળને લઇ પેટ્રોલ-ડીઝલની અછતની વાત વહેતી થવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હીટ એન્ડ રનના નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે એક ચર્ચા હતી કે પેટ્રોલ-ડીઝલની અછત છે. જોકે હવે આ મામલે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે. જેમાં અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો હોવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે શહેરીજનોને ઇંધણ બાબતે ચિંતા ન કરવા જણાવ્યું છે. હડતાળથી પેટ્રોલ-ડિઝલનું પરિવહન અટક્યું હોવાની વાત વહેતી થવા મામલે હવે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે. વિગતો મુજબ પેટ્રોલ-ડીઝલ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું છે કે, અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો છે. આ સાથે તેમને કહ્યું કે, હડતાળ વચ્ચે શહેર અને રાજ્યમાં ઇંધણનો જથ્થો નહિ ખૂટે જેથી શહેરીજનોને ઇંધણ બાબતે ચિંતા ન કરો. ભારતીય ન્યાય સંહિતાના એક કાયદાને લઈને દેશભરમાં વિરોધ શરૂ થયો છે. આ હિટ એન્ડ રન પર કરવામાં આવેલી નવી જોગવાઈ છે. આ અંતર્ગત જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ સિવાય તેણે દંડ પણ ભરવો પડશે. વાસ્તવમાં વાહનની ટક્કર બાદ ભાગવું એ હિટ એન્ડ રન ગણાય છે. અત્યાર સુધી આવા કેસમાં બે વર્ષની જેલ અને જામીનની જોગવાઈ હતી. આ મામલે ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હળતાલ વચ્ચે પેટ્રોલ-ડીઝલની અછતની વાત વહેતી થઈ હતી.