જાપાનમાં ફેક્ટરીઓમાં ત્રણ લાખ રોબોટની કરાઈ ભરતી
જાપાન એક અનોખા પડકાર સામે ઝઝૂમી રહ્યું છે. તેઓની કુલ વસ્તીના ત્રીજા ભાગની વસ્તી ૬૫ કે તેથી વધુ વર્ષની છે, તો બીજી તરફ નવી પેઢીના દંપતી છેલ્લા ત્રણેક દાયકાથી એક જ સંતાન કે એકપણ સંતાન નહી તેમ માનતા હોઈ ક્રમશ: વસ્તી પણ હદે વધતી નથી. નવી પેઢી પણ આ ટ્રેન્ડને જ વળગી રહી છે. લગ્ન સંસ્થા પણ તૂટી રહી છે. જાપાનના અર્થતંત્રને પણ આ કારણે ફટકો પહોંચ્યો છે. બીજી તરફ વૃદ્ધોની બહુમતી વચ્ચે યુવાનોની ટકાવારી ભયજનક રીતે ઘટી રહી છે. આ કારણે કંપનીઓને કર્મચારીઓ અને ફેક્ટરીઓને શ્રમિકો મળતા નથી. જે ક્વોલિફાય છે તેઓ વિદેશમાં સ્થાયી થવા માંડયા છે. આ જ કારણે જાપાનની કંપનીઓ અને ફેક્ટરીના માલિકોએ શ્રમિક મેળવવા માટે રોબોટનો વિકલ્પ પસંદ કર્યો છે. અને જાપાન વિશ્વનો રોબોટનું ઉત્પાદન કરનાર અને વર્કફોર્સમાં તેને સામેલ કરનાર અગ્રણી દેશ છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ અને રોબોટથી જાપાનની ઉત્પાદકતા યુરોપીય દેશો કરતા વધતી જોઈ હવે અન્ય દેશો પણ માણસના વિકલ્પ તરીકે ટેક્નોલોજી પર નજર નાખવા માંડયા છે. જાપાનમાં હોસ્પિટલ, ફેક્ટરી, હોટલ, સિક્યોરીટી સર્વિસ અને સ્પેસ રિસર્ચમાં રોબોટનો ઉપયોગ જ મહદઅંશે થાય છે. જાપાનના વૃદ્ધો મોટે ભાગે ડે કેર કે પૂર્ણ સમયના કેર સેન્ટરમાં રહે છે. વૃદ્ધોને નિયમિત દવા, નાસ્તો, ભોજન, મસાજ રોબોટ જ કરી આપે છે. રોબોટ ગીત અને જોક પણ સંભળાવી શકે છે. રોબોટ વૃદ્ધોના સંતાન કરતા સારી સેવા- સુશ્રુષા કરે છે.ઓફિસ માટે રોબોટ બનાવતી કંપની જાણે કર્મચારી સપ્લાય કરતી કંપની બની રહી છે. આજે જાપાનમાં 3 લાખથી વધુ રોબોટ કર્મચારીઓ કે શ્રમિકો છે. એક અંદાજ પ્રમાણે આગામી દાયકામાં આ આંક 10 લાખ પર પહોંચી જશે.