કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આવતીકાલે અમદાવાદમાં 12 EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે
મોબિલેન કંપની દ્વારા નિર્મિત EV ચાર્જિંગ સ્ટેશનોની મદદથી અમદાવાદની હવાને વધુ સ્વચ્છ બનાવવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2070 સુધી ઝીરો કાર્બન ઉત્સર્જનના વિઝનને સાર્થક કરવાની દિશામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં 12 EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદના સ્ટ્રેટેજિક સ્થાનો પર ઉભા કરાયેલા ચાર્જિંગ સ્ટેશનનો લોકો બહોળી સુવિધાનો લાભ મેળવી શકશે. ભારતમાં બહોળો વ્યાપ ધરાવતી અને તેના ફાસ્ટ ચાર્જિંગ અને આધુનિક EV સોલ્યુશન્સ માટે જાણીતી મોબિલેન કંપની દ્વારા આ સુવિધા વિકસિત કરવામાં આવી છે. આ 12 ચાર્જિંગ સ્ટેશન પર ભારતમાં પ્રથમ વખત, નાગરિકોને પ્લગ એન્ડ ચાર્જની સુવિધા મળશે, જેથી વધારે ગૂંચવણ વિના સહજતાથી વાહન ચાર્જિંગ થઇ શકશે. આ ચાર્જિંગ સ્ટેશન્સની મદદથી ટુ વ્હિલર, 3 વ્હિલર અને 4 વ્હિલર વાહનોને ચાર્જિંગ સુવિધા મળશે.